ગુજરાતમાં થોડા દિવસો અગાઉ પણ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે આજે ફરી એક વખત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના એક ડબ્બાના ભાવમાં રૂ.50 જયારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ.60નો વધારો થયો છે. તેલના ભાવ વધારાને લીધે ફરસાણના ભાવ પણ વધી શકે છે. તો રાજકોટમાં ફાફડાના ભાવમાં રૂ.40નો વધારો થયો છે.
આજે સિંગતેલમાં રૂ.50નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ.2530 થી રૂ.2580 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બામાં રૂ.60નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ.2580એ પહોચ્યો છે. ભાવ વધારાના પરિણામે સિંગતેલ અને કપાસિયા તેલ બન્નેના ભાવ સરખા થયા છે. પરતું સતત થઇ રહેલા વધારાના પરિણામે ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ છે. અને સામાન્ય માણસોને મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નોત્તરી કાળમાં અત્યાર સુધીમાં ખાદ્યતેલના ભાવમાં કેટલો વધારો થયો તે અંગે સરકારે જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં છૂટક સીંગતેલના ભાવમાં લિટરે 57 રુપિયાનો વધારો થયો જ્યારે સીંગતેલના 15 લિટરના ભાવમાં 794 રુપિયાનો વઘારો થયો છે. જ્યારે કપાસિયા તેલના 1 લિટરના ભાવમાં 65 રૂપિયા વધ્યા છે.