Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં દંગલ: માછીમારી કરવા જતા બોટધારકો સામે પોલીસની કાર્યવાહી

દ્વારકામાં દંગલ: માછીમારી કરવા જતા બોટધારકો સામે પોલીસની કાર્યવાહી

સ્થાનિક લોકોએ ટોળા સ્વરૂપે રોડ ઉપર ચક્કાજામ કર્યો : પોલીસ ફરિયાદ સાથે તંત્ર એલર્ટ

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે ગુરુવારે દરિયામાં માછીમારી કરવાના મુદ્દે પોલીસની સઘન કાર્યવાહી બાદ સ્થાનિક લોકોએ ટોળા સ્વરૂપે રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ સંદર્ભે પોલીસ દ્વારા જુદી જુદી પાંચ ફરિયાદ નોંધી છે. આ મુદ્દે સ્થાનિક માછીમારોમાં કચવાટ સાથે રોષની લાગણી જોવા મળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો આવેલો છે. અહીં અનેક નાના-મોટા બોટ ધારકો તથા ચોક્કસ વર્ગનું જીવન માછીમારી ઉપર આધારિત છે. હાલ ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની બનવાની સંભાવના વચ્ચે માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. આટલું જ નહીં, મત્સ્ય ઉદ્યોગ અને પોર્ટ ઓફિસર દ્વારા પણ આ સિઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા મંજૂરી અપાતી નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ માછીમારી કરવા સામે તા. 31 ઓગસ્ટ સુધી જિલ્લા કલેકટર દ્વારા મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આના અનુસંધાને દ્વારકાના દરિયામાં અનેક સ્થાનિકો પોતાના જીવના જોખમે દરિયામાં માછીમારી કરવા જતા હોય, જેથી દ્વારકા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે ગુરૂવારે દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી, પી.એસ.આઈ. એ.આઈ. ચાવડા તથા પોલીસ દ્વારા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં માછીમારી સંદર્ભે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખુશાલનગર વિસ્તારના દરિયાકાંઠે મનાઈ હોવા છતાં પણ દરિયામાં માછીમારી કરવા ગયેલા કેટલાક બોટ ધારકો સામે ધોરણસર ફરિયાદ નોંધી, જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.    રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા મજીદ સબીર પટેલીયા, અમીન ઈસ્માઈલ પટેલીયા અને દિલાવર ઇબ્રાહીમ પટેલીયા નામના ત્રણ માછીમારો “અજમેરી” નામની બોટમાં માછીમારી કરવા જતા આ આસામીઓ સામે દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવીએ જાતે ફરિયાદી બની, જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. આ જ રીતે રૂપેણ બંદર વિસ્તારના રહીશ એવા અસલમ દાઉદ ઈશબાણી, અકરમ દાઉદ ઈશબાની અને આરીફ હારુન ધોકીએ “નસીબ” નામની બોટમાં જ્યારે “ફિરોજા” નામની બોટ મારફતે માછીમારી કરવા ગયેલા મામદ કમુ લોઠિયા અને અનવર અલી માણેક સામે ઉપરાંત હુરબાનું નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા અબ્દુલ કરીમ ઇસબાની અને યાસીન ઇસુબ ઇસબાની સામે દ્વારકા પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉપરોક્ત અલગ-અલગ ચાર પોલીસ ફરિયાદ સાથે દ્વારકા પોલીસે માછીમારોને મંજૂરી વગર દ્વારકામાં માછીમારી કરવા જતાં અટકાવ્યા હતા. આના અનુસંધાને રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારજનોએ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ, તેઓની માછીમારીની પ્રવૃત્તિ ઉપર રોક લગાવતા તેઓની નબળી આર્થિક પરિસ્થિતિ તથા પ્રવૃતિ વગર તેઓ ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા હોવાની બાબતો રજુ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા.   આ વિસ્તારમાં રહેતા સ્થાનિક માછીમારો તથા મહિલાઓ આ બાબતે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ગઈકાલે બપોર બાદ ઓખાથી દ્વારકા હાઈ- વે રોડ પર ચક્કાજામ સર્જ્યો હતો. અહીં રહેતા આશરે 500 થી 700 જેટલા સ્થાનિક લોકોએ એકઠા થઇ અને રોડ પર આવતા જતા વાહનોને અટકાવ્યા હતા.

આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની રાહબરી હેઠળ ડી.વાય.એસ.પી. નીલમબેન ગોસ્વામી, દ્વારકાના પી.આઈ. પી.બી.ગઢવી, પી.એસ.આઈ. એ.આઈ. ચાવડા, સાથે સ્થાનીક પોલીસ ઉપરાંત એલસીબી પોલીસ સહિતનો વિશાળ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ હાથમાં લીધી હતી. આ સ્થળે આશરે એકાદ કલાક સુધી સ્થાનિક લોકોએ ચક્કાજામ સર્જતાં આ વિસ્તારમાં આવ-જા કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

આના અનુસંધાને દ્વારકાના પી.એસ.આઈ. એ.આઇ. ચાવડાએ જાતે ફરિયાદી બની, રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલીમ જુસબ પટેલિયા, મુમતાજ સલીમ, ફાતેમા મુસા, લાખા જુમા ભેંસલીયા, અસલમ આમદ, સોયબ હુસેન, મહંમદ હનીફ ભેંસલીયા, ગફૂર જુમા ભેંસલીયા, હવાબેન આરબભાઈ, સબીર હાજી ભેંસલીયા, હસન ભીખુ સમા, ઉમર જુસબ પટેલિયા, કસમ જાકુબ ભેંસલીયા, હુસેન મામદ પટેલીયા, ઈસા હાજી સુમાર ભેંસલીયા, કમુ જુસબ ઇસબાણી, યુસુફ અલી ઇસબાણી, ઈસ્માઈલ ઉંમર ભેંસલીયા, મામદ ઇશા લુચાણી, આમદ સુલેમાન સમા અને આરીફ મુસા ભેંસલીયા નામના કુલ 21 ઈસમોના સહિતના ટોળા સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેરનામા ભંગ સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભેની આગળની તપાસ પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. દ્વારકામાં દોઢેક કલાક સુધીના ચક્કાજામ બાદ પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઓગસ્ટ માસમાં મહદ અંશે માછીમારી માટે તંત્ર દ્વારા છૂટ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે પ્રતિબંધો હાલ લંબાવાતા સ્થાનિક માછીમારો કફોડી હાલતમાં મુકાઈ જવાની ફરિયાદો વચ્ચે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular