પોરબંદર નજીક આવેલા માધવપુર ઘેડમાં યોજાયેલા મેળાનો દેશના રાષ્ટ્રપતિ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ મેળામાં આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોય અને મંગળવારે જામનગરમાં રાત્રિ રોકાણ કરવાના હોવાથી પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોરબંદર નજીક આવેલા માધવપુર ઘેડમાં યોજાયેલા મેળાનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રારંભ કરાવાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં આ પૂર્વે રાષ્ટ્રપતિએ દ્વારકાધિશના દર્શન કર્યા હતાં. તે પહેલાં જામનગરના એરફોર્સ પર ટુંકુ રોકાણ કર્યુ હતું. રાષ્ટ્રપતિના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. દરમિયાન માધવપુરના મેળામાં બુધવારે આસામના મુખ્યમંત્રી ડો. હેમંત બિશ્વા શર્મા ઉપસ્થિત રહેવાના છે અને મુખ્યમંત્રી મંગળવારે રાત્રિના જામનગરમાં આવશે અને રાત્રિ રોકાણ કરી બુધવારે સવારે માધવપુર ઘેડના મેળામાં જવા રવાના થશે. મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ સુરક્ષા વ્યવસ્થા અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી પસાર થવાના માર્ગ પર પોલીસ દ્વારા આજે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.