ગુજરાતમાં ઉનાળાની શરુઆતથી જ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. મે મહિનાની શરૂઆતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડીગ્રી વટાવી ગયું છે. સાંજના સમયે પણ મહાનગરોમાં શરીર દઝાડે તેવી લૂ વર્ષાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ,ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં મૌસમનું સર્વાધિક તાપમાન 46 સે. નોંધાયું છે તો રાજકોટ,અમરેલી, ભાવનગર સહિતના સ્થળે પ્રથમવાર પારો 44 સે.ને પાર થઈ ગયો છે.
ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીના પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદવાદ 47 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 46 ડીગ્રી વટાવી ગયો છે. સુરેન્દ્રનગરના પાટડીના રણમાં સૌથી વધુ 51 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા પણ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાશન દ્વારા પણ લોકોને ગરમીથી સુરક્ષિત રહેવા માટે અને બપોરના સમયે કામ વગર બહાર ન જવા જણાવવામાં આવ્યું છે. જો બે દિવસમાં પવનની પેટર્ન નહીં બદલાય તો ગરમી લંબાશે અને વધારો પણ થઈ શકે છે. તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
તા.૨૫ મે સુધી દર વર્ષે ઉનાળાની સૌથી વધુ ગરમી નોંધાતી હોય છે ત્યારે હજુ એકાદ સપ્તાહમાં ગરમી નવા રેકોર્ડ સર્જે તો નવાઈ નહીં. હજુ પણ ચાર દિવસ સુધી લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.