લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ સાથે સાત તબક્કાના ચૂંટણી પ્ર્રક્રિયાનો પ્રારંભ થયો છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી કુલ 102 સીટો પર 63 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. કેટલાક સ્થળોએ હિંસાની છૂટીછવાઇ ઘટના બની હતી. છત્તીસગઢમાં ગ્રેનેડ લોન્ચર શેલ અકસ્માતે ફાટી જતાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને સર્બાનંદ સોનોવાલ, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ડીએમકેના કનિમોઝીનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાત તબક્કાની ચૂંટણીના પ્રથમ અને સૌથી મોટા તબક્કાનું મતદાન મહદઅંશે શાંતિપૂર્ણ રહ્યું હતું. પ્રથમ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રીઓ સહિત હજારો ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
વિશ્વની સૌથી મોટી મતદાન કવાયત સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી. મોટા ભાગના ભાગોમાં મતદારોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કેટલાક સ્થળોએ લોકો વરસતા વરસાદમાં પણ મત આપવા લાઇનમાં ઊભા રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સતત ત્રીજી મુદત માટે વધુ મજબૂત બહુમતી મેળવવા માંગે છે, જ્યારે વિપક્ષી ઈંગઉઈંઅ ગઠબંધન 2014 અને 2019ની ચૂંટણીમાં વિપરીત પરિણામોનો સામનો કર્યા બાદ સત્તાની આશા રાખી રહ્યું છે. ત્રિપુરામાં સૌથી વધુ 80.17 ટકા મતદાન નોંધાયું હતું. એ પછી પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું હતું. મેઘાલયમાં 74.21 ટકા મતદાન નોંધાયું હતું. પુડ્ડુચેરી અને આસામમાં અનુક્રમે 73.5 ટકા અને 72.1 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં 63.41 ટકા મતદાન થયું હતું. તમિલનાડુમાં 65.19 ટકા મતદાન થયું હતું.અરૂણાચલ પ્રદેશમાં 67.15, અંદામાન અને નિકોબારમાં 56.87 ટકા અને બિહારમાં માત્ર 50 ટકા જ મતદાન નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ વચ્ચે મતદાતાઓના ઉત્સાહને કારણે 65.08 ટકા મતદાન થયું હતું. રાજસ્થાનમાં 56.58 ટકા તો ઉત્તરાખંડમાં 54.06 ટકા મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં 55.35 ટકા મતદાન તો મધ્યપ્રદેશની છ સીટો માટે 64.77 મતો પડ્યા હતા. યુપીમાં 58.49, મિઝોરમમાં 54.23 ટકા તો સિક્કિમમાં 69.47 ટકા મતદાન નોંધાયું હતું.
અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઇ હતી. પ્રથમવાર મતાધિકારનો પ્રયોગ કરનારા અને કેટલાંક નવ-પરિણીત યુગલો લગ્નના પરંપરાગત પોશાકમાં આવ્યા હતા. શારીરિક રીતે અશક્ત લોકો અને કેટલાંક વૃદ્ધ વ્યક્તિઓ સ્ટ્રેચર અને વ્હીલચેર પર મતદાન મથકે પહોંચ્યા હતા. તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આસામના કેટલાક બૂથ પર નાની ઊટખ ખામીઓ નોંધાઈ હતી.
પશ્ચિમ બંગાળમાં કૂચ બિહાર સીટ પર હિંસાથી મતદાન ખોરવાઈ ગયું હતું. ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી હતી. આ ઉપરાંત મતદારોને ડરાવવા અને પોલ એજન્ટો પર હુમલા સંબંધિત અનુક્રમે 80 અને 39 ફરિયાદો નોંધાઇ હતી. હિંસાગ્રસ્ત મણિપુરમાં 69.13 ટકા મતદાન નોંધાયું હતું.