જામનગરમાં ક્ષત્રિય સમાજની મોટી વસ્તી ધરાવતા નવાગામ ઘેડમાં રાજપુત સમાજની વાડીનું પુન:નિર્માણ કરતી વેળાએ આ વાડી કોઈપણ સમાજની દીકરીના લગ્ન માટે ભાડે અપાશે ત્યારે તેનું ભાડું આ વિસ્તારના મહિલા ધારાસભ્ય દ્વારા ચુકવવામાં આવશે. તેવી નવતર પહેલ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં આવેલી રાજપુત સમાજની વાડીમાં ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી રૂપિયા 24.96 લાખના ખર્ચે ડોમ નું નિર્માણ કરી ને સર્વ સમાજના લોકોના પ્રસંગોમાં ઉપયોગમાં લેવા માટેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે તા.16ના રવિવારે વાડીના લોકાર્પણ ના સમારોહમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરો પ્રવિણસિંહ ઝાલા તેમજ જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ, અને રાજપુત સમાજના ભાઈઓ -બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા ધારાસભ્યએ નવતર પહેલ કરીને નવી બનેલી વાડી જયારે-જ્યારે કોઈપણ સમાજની દીકરીઓના લગ્ન પ્રસંગે બુક થશે. ત્યારે-ત્યારે તેનું ભાડું મહિલા ધારાસભ્ય રીવાબા તરફથી ચુકવાશે તેવી આ લોકાર્પણ પ્રસંગે રિવાબા જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી હતી.


