હવામાન વિભાગ દ્વારા જામનગર શહેર અને જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રભરમાં કરાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં સમગ્ર હાલાર પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી રહી છે. જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના ફલ્લામાં તથા જોડિયા તાલુકાના હડિયાણામાં દોઢ-દોઢ ઈંચ જેટલું પાણી પડયું હતું. હાલારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો બીજી તરફ બાળકો સહિત મોટેરાઓએ પણ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.
જામનગર શહેર જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂકયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે જેમાં છેલ્લાં 24 કલાકના આંકડાઓ મુજબ, જામનગર જિલ્લામાં 29 મિ.મી., ધ્રોલમાં 17 મિ.મી., જોડિયામાં 13 મિ.મી., લાલપુરમાં 02 મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાઓની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર તાલુકાના વસઈમાં 10 મિ.મી., લાખાબાવળમાં 05 મિ.મી., મોટી બાણુંગારમાં 25 મિ.મી., ફલ્લામાં 40 મિ.મી., દરેડમાં 05 મિ.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 40 મિ.મી., બાલંભામાં 17 મિ.મી., પીઠડમાં 25 મિ.મી., ધ્રોલ તાલુકાના લતીપુરમાં 21 મિ.મી., લૈયારામાં 4 મિ.મી., જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં 26 મિ.મી., લાલપુર તાલુકાના મોડપરમાં 01 મિ.મી. તથા ડબાસંગમાં 10 મિ.મી. પાણી પડયું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી બેકાંઠે થઈ હતી તો ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં. જામનગર શહેરમાં બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા ઉઘાડ નિકળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ફરી શનિ-રવિ ભારે વરસાદની આગાહી કરી હોય, જામનગરને રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.