જામનગર શહેરના વોર્ડ નંબર 6 ડિફેન્સ કોલોનીમાં ઘણાં સમયથી ખરાબ રસ્તા અને રબડીરાજના કારણે લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. મહાનગરપાલિકાની બેદરકારી સંદર્ભે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગારામાં આળોટીને વિરોધ પ્રદર્શન કરી મહાનગરપાલિકાના હોદદારોને જગાડવા માટે પ્રદર્શન કર્યું હતું.
View this post on Instagram
મળતી વિગત મુજબ જામનગર શહેરના લગભગ દરેક વોર્ડમાં મહાનગરપાલિકાની બેદરકારીને કારણે લોકો પરેશાન થઇ ગયા છે. અમુક વોર્ડમાં તો કચરાના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 6માં આવેલી ડિફેન્સ કોલોની વિસ્તારમાં ખરાબ રસ્તા અને ભૂગર્ભ ગટરના કારણે તથા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી આ વિસ્તારમાં રબડીરાજ ફેલાયેલું રહે છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે પ્રજા પરેશાન થઇ રહી છે. ત્યારે જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા તથા કાર્યકર્તાઓએ આજે સવારે આ વિસ્તારમાં ગારા-કીચડમાં આળોટીને મહાનગરપાલિકાના હોદેદારોને કુંભકર્ણની ઉંઘમાંથી જગાડવા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ બાદ વોર્ડના મહિલા કોર્પોરેટર દ્વારા રસ્તો મંજૂર થયો હોવાનું પણ જણાવાયું હતું.


