બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થેલ મૃત્યુ સંદર્ભે યુવક કોંગ્રેસ દ્વારા દેશી દારૂમાં વાપરવામાં આવતી ખાલી કોથળીઓ સળગાવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યક્રરોની અટકાયત કરવામાં આવી હતી.
તાજેતરમાં અમદાવાદ નજીક બોટાદ અને ધંધુકા તાલુકામાં દારૂના નામે ઝેરી કેમિકલ પદાર્થ ભેળવીને દારૂ પીવાથી 40થી વધુ લોકોના મૃત્યુ થયા હતાં. તેમજ 50થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રોજીદ ગામના લોકો દ્વારા ચાર મહિના અગાઉ દારૂ બંધી અંગે મામલતદારને લેખિતમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતાં. ત્યારે આ અંગે આજરોજ જામનગરમાં અંબર ચોકડી પાસે યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂમાં વાપરવામાં આવતી ખાલી કોથળીઓ સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગણી સાથે સુત્રોચાર કર્યા હતાં. યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ જામનગર જિલ્લા પ્રમુખ મતરી કંડોરિયા, જામનગર ઉત્તર વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ જેઠવા, કર્ણદેવસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના હોદેદારો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત કરી હતી.