જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દુકાનો – બાંધકામ તોડી પાડવા કાર્યવાાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં ત્રણ માળની ગેરકાયદેસર દુકાનનું બાંધકામ થયું હોય આ અંગે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના ધ્યાનમાં આવતા આજે સવારે જ જામ્યુકોની એસ્ટેટ શાખા અહીં પહોંચી ગઈ હતી અને જામનગર મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરણવા, એન.આર. દિક્ષીત, દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી તેમજ અનવર ગજણ સહિતની ટીમ દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલ તેમજ ફાયર વિભાગની ટીમ સાથે ગેરકાયદેસર દુકાન તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરીને લઇ અહીં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં.