સ્માર્ટ ફોન અને તેની સાથે સોશ્યલ મીડીયાના આગમન બાદ હવે તેની વ્યાપક અસર પડી રહી છે અને ખાસ કરીને બાળકોની ટીનએજર પણ સોશ્યલ મીડીયાના ‘બંધાણી’ જેવી સ્થિતિમાં પહોંચી રહ્યા છે જેમાં તમો કદાચ સ્માર્ટ ‘ટેકસાવી’ તરીકે ભલે ગણાતા હોય પણ તેમના શારીરિક માનસિક વિકાસ તથા તેમના સ્વભાવથી લઈને અભ્યાસ સુધી નકારાત્મક અસર પડે છે તે અંગે અલગ અલગ અભ્યાસમાં ગણાયા બાદ હવે સરકાર દેશમાં 18 વર્ષ સુધીના તમામ માટે સોશ્યલ મીડીયા પર એકાઉન્ટ બનાવવા કે તેના વ્યાપક ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહી છે. અમેરિકા સહિતના દેશોમાં આ અંગે થયેલા અભ્યાસ બાદ સરકારે જે વધુ ડેટા પ્રોટેકશન બિલ તૈયાર કરીને સંસદમાં રજુ કર્યુ છે તથા ટીનએજર્સને સોશ્યલ મીડીયા એસેસ કરવા સંબંધી અનેક નિયંત્રણો મુકવાની દરખાસ્ત છે.
જેમાં હાલ સર્વાધિક ઉપયોગમાં લેવાતા ફેસબુક ઈન્સ્ટાગ્રામ-ટવીટર સહિતના સોશ્યલ મીડીયાનો સમાવેશ થાય છે તથા આ મીડીયાને પણ ટીનએજર્સના એકાઉન્ટ તેના માતા-પિતાની સંમતિ વગર ખોલવા નહી દેવા તથા તેના ડેટાનો કોઈપણ રીતે ઉપયોગ નહી કરવાની શરત લદાશે. ઉપરાંત આ પ્રકારના એકાઉન્ટમાં બાળકોને ટાર્ગેટ કરતી એડ. પણ આપી શકાશે નહી.
ટેક કંપનીઓએ આ માટે તેના એપ્લીકેશનમાં ખાસ જોગવાઈ કરવાની રહેશે. આ ઉપરાંત જે શૈક્ષણિક વેબસાઈટ કે એપ્લીકેશન છે તેના માટે પણ નિયમો બનાવાયા છે અને તે વિદ્યાર્થીના ડેટા મેળવી શકશે પણ તેનો કોમર્શિયલ ઉપયોગ માતા-પિતાની મંજુરી વગર કરી શકશે નહી અને તે કોઈ ગેમીંગ એપ. કે તેવી વેબસાઈટ સાથે પણ જોડાઈ શકશે નહી. બાળકોના સ્ક્રીનટાઈમમાં મોટો વધારો થઈ રહ્યો છે જેમાં ગેમીંગમાં તો પબજી સહિતની ગેમમાં બાળકો પાગલ સમાન રમે છે. ઉપરાંત રમી સહિતની ગેમમાં પણ ટીનએજર્સ ફસાવા લાગ્યા છે. ક્રિકેટની સાથે જોડાયેલી ફેન્ટસી એપ. માટે પણ આ નિયમો થોડા ફેરફાર સાથે લાગું કરવામાં આવશે.