કેન્દ્ર સરકાર લાખો કર્મચારીઓ અને પેન્શનરોનું ફરીથી ડીએ વધારે તેવી શક્યતા છે. મીડિયામાં ચાલી રહેલા સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકાર જુલાઇમાં ફરી એક વખત મોંઘવારી ભથ્થું વધારી શકે છે. ફરી એક વખત ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે તેવી સંભાવના છે. સરકારના આ નિર્ણયથી 1 કરોડથી વધુ લોેકોને લાભ થશે.
ચાલુ વર્ષમાં સરકાર અગાઉ ડીએમાં ત્રણ ટકાનો વધારો કરી ચૂકી છે. હાલમાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો જુલાઇમાં ફરીથી ડીએ વધારવામાં આવશે તો 37 ટકા થઇ જશે. જો કે ડીએ વધારવાનો અંતિમ નિર્ણય એપ્રિલ, મે અને જૂનમાં એસઆઇસીપીઆઇ ઇન્ડેક્સ કેટલો રહે છે તેના આધારે લેવામાં આવશે. ડીએ વધવાથી 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને લાભ થશે.
સાતમા પગાર પંચની ભલામણ મુજબ ડીએ વર્ષમાં બે વખત લગભગ જાન્યુઆરી અને જુલાઇમાં વધારવામાં આવે છે.
જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં એઆઇસીપીઆઇ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો પણ માર્ચમાં આ ઇન્ડેક્સમાં ફરી વધારો થયો હતો. માર્ચમાં આ ઇન્ડેક્સ વધીને 126 થઇ ગયો હતો. જેના કારણે ફરીથી ડીએમાં વધારો થવાની શક્યતા છે. ગયા વર્ષે જુલાઇમાં ડીએ 17 ટકાથી વધારી 28 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર 2021માં ડીએ 28 ટકાથી 31 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષમાં ડીએ ત્રણ ટકા વધારવામાં આવતા 34 ટકા થયું હતું.