સલાયા નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતા ઘરેલુ ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડી કચેરી ગાંધીનગર દ્વારા સલાયા નગરપાલિકાને પાણી અધિનિયમ હેઠળ તા.29 સપ્ટેમ્બરના રોજ નોટિસ પાઠવવામાં આવી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુલાકાત દરમિયાન સલાયા નગરપાલિકા દ્વારા ઘરેલુ ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે એસટીપી બનાવવામાં આવેલ હોવાનું અને તે કાર્યરત સ્થિતિમાં હોવાનું જણાયું હતું. જોકે, કલેક્શન સંપથી એસટીપી સુધી પાઇપલાઇનનું જોડાણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા નગરપાલિકાને સમયબદ્ધ કાર્યવાહી યોજના રજૂ કરવા જણાવાયું છે.
મુલાકાત દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં આવેલા બંને ગંદા પાણીના પંપિંગ હાઉસ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત, ડ્રેનેજ નેટવર્ક વ્યવસ્થા જોવા મળી ન હતી. આ અંગે નગરપાલિકા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે અને પંપિંગ હાઉસ તથા ડ્રેનેજ વ્યવસ્થા તાત્કાલિક કાર્યરત કરી નગરપાલિકા વિસ્તારમાંથી ઉદભવતા તમામ સુએજને એસટીપીમાં ટ્રીટમેન્ટ આપી એનઓસી/સીસીએની શરતો મુજબ નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, ઘરેલુ ગંદુ પાણી ઉભરાઈને રસ્તા પર આવતું હોવાનું પણ બોર્ડની મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. હાલમાં નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતું ઘરેલુ ગંદુ પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના પંપિંગ સ્ટેશન નજીકની ખાડીમાં બાયપાસ કરવામાં આવતું હોવાના તેમજ ટ્રેક્ટર-ટેન્કર મારફતે છોડવામાં આવતું હોવાના મુદ્દે પણ નોંધ લેવામાં આવી છે.
બોર્ડ દ્વારા આવા ગંદા પાણીનો એક નમૂનો જરૂરી પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હોવાનું નોટિસમાં જણાવાયું છે. સમગ્ર મામલે નગરપાલિકાને જરૂરી કાર્યવાહી કરવા અને સમયબદ્ધ એક્શન પ્લાન રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.


