જામનગર તાલુકાના કનસુમરા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પરથી પોલીસે વર્ના કારને આંતરીને 426 નંગ ચપલા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જામનગર શહેર અને જિલ્લામાં સાત સ્થળોએથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના કનસુમરા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પરથી પસાર થતી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડીવીઝનના પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, એસ. એચ. જિલરિયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, પોલાભાઇ ઓડેદરા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી પસાર થતી જીજે-12-ડીજી-2581 નંબરની વર્ના કારને આંતરી લીધી હતી અને કારની તલાસી લેતા કારમાંથી રૂા.85200 ની કિંમતના 426 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા ડેકીમાંથી મળી આવતા પોલીસે આશિફ કાસમ કાટલીયા (નાઘેડી), અજરણ એભા ભારવડીયા (ગોકુલનગર, જામનગર) નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.5,85,200 નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં રામ ઉર્ફે રામકો મેર જીવા મોઢવાડિયા, ભરત સાજન ગઢવી, દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા રામસંગ જાડેજા અને રાજ ધોકીયા નામના ચાર શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના પવનચકકી જેલ રોડના ખુણા પાસેથી પસાર થતા જીજે-10-ઈએફ-2689 નંબરના ઈલેકટ્રીક બાઇકના ચાલક હરેશ ઉર્ફે હરી નેણશી ગોરી (ઉ.વ.45) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1200 ની કિંમતના 12 નંગ ચપલા મળી આવતા સિટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો પ્રશાંત બાવાજીએ સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો,જામજોધપુર તાલુકાના બાલવા ગામની ગોલાઇમાં પાર્ક કરેલી જીજે-27-સીએફ-3525 નંબરની ક્રેટાકારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.20340 ની કિંમતની 36 બોટલ દારૂ અને રૂા.1500 ની કિંમતના 10 નંગ ચપલા મળી આવતા પોલીસે રૂા.5 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.5,31,840 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરની શોધખોળ આરંભી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેથી સિટી સી ડીવીઝન પોલીસે જીજે-10-બીડી-7289 નંબરના બાઈકચાલક જયદીપ પ્રભુલાલ ચુડાસમા (ઉ.વ.36) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના બાઈકમાંથી રૂા.5969.70 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે મોબાઇલ ફોન અને બાઈક સહિત રૂા.40,969.70 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરનાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ક્રિષ્નાનગર શેરી નંબર-3 માં રહેતાં યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.6000ની કિંમતના 30 નંગ ચપલા મળી આવતા યુવરાજસિંહની શોધખોળ આરંભી હતી.
છઠ્ઠો દરોડો, લાલપુર તાલુકાના ડબાસંગ-ગજણા ફાટક પાસેથી જીજે-10-ઈઈ-1783 નંબરના બાઈકસવાર ચેતનસિંહ સદુભા રાઠોડ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.11,200 ની કિંમતના બીયરના ટીન તથા ચપલા મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને બાઈક મળી કુલ રૂા.46,200 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
સાતમો દરોડો, જામનગર શહેરના એમ્યુઝમેન્ટપાર્ક પાછળ આવેલી અવાવરૂ જગ્યામાં દારૂની હેરાફેરી કરાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા (ઉ.વ.33) નામના શખ્સને રૂા.45,200 ની કિંમતની 80 બોટલ દારૂ અને 6720 ની કિંમતના 48 નંગ ચપલા મળી કુલ રૂા.51,920 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં રવિ ખુશની સંડોવણી ખુલ્લી હતી.
આઠમો દરોડો, જામજોધપુર તાલુકાના બાલવા ગામના રેલવે ફાટક પાસેથી પસાર થતા ચના માંડા કરોતરા (ઉ.વ.48) નામના શખ્સને જામજોધપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1050 ની કિંમતના 7 નંગ ચપલા મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


