જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા ફેક નંબર પ્લેટ લગાવી ફરતા શખ્સને ઝડપી લઇ મોટરસાઇકલ, અસલ નંબર પ્લેટ તથા બનાવટી નંબર પ્લેટ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના એએસઆઇ પરેશભાઇ ખાણધર, હે.કો. પ્રદીપસિંહ સોઢા તથા પો.કો. જેસાભાઇ ડાંગર સર્વેલન્સ કામગીરી કરતા હતા. આ દરમ્યાન એક સફેદ કલરનું એકસેસ સ્કૂટર ચાલક પોતાના વાહનમાં અમુક દિવસોમાં જીજે10 ઇએલ 3100 તથા અમુક દિવસોમાં જીજે10 ઇએલ 31 નંબરની નંબર પ્લેટ લગાવી ફરતો હોવાનું ધ્યાનમાં આવતા આ અંગે પીએસઆઇ બી.બી.સિંગલને જાણ કરાઇ હતી. જેને લઇ ટ્રાફિક પી.આઇ. એસ.બી.ચૌધરી દ્વારા ટ્રાફિક શાખાની પોઇન્ટ વાઇસ ટીમો બનાવવામાં આવી હતી અને પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. દરમ્યાન પીએસઆઇ એ.એચ.ચોવટ તથા હે.કો. સત્યજીતસિંહ વાળા ટાઉનહોલ પાસે ફરજ પર હતા તે દરમ્યાન બેડી ગેઇટ તરફથી જીજે10 ઇએલ 31 નંબરના એકસેસ સ્કૂટર નીકળતા તેને રોકી ચાલકનું નામ પૂછતાં ફૈઝલ યુનુસ મુનરાઇ હોવાનું જણાવતા સ્કૂટરના કાગળો માંગતા આરસીબુક રજૂ કરતા તે વાહન જીજે10 ઇએલ 3100 હોય આરસીબુક અને વાહનના એન્જીન અને ચેસીસ નંબર મેચ થતા હોય આરોપીની પૂછપરછ કરતા એકસેસમાં પોતે ખોટા નંબર જીજે10 ઇએલ 31 લગાવી ઓનલાઇન ચલણ આપવામાં આવતા હોય જેથી આ કાર્યવાહીથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું જણાવ્યું હતું.

આરોપીની એકટીવાની ડેકીમાંથી ઓરીજનલ એચએસઆરપી નંબરપ્લેટ પણ મળી આવી હતી. પોલીસે રૂા.40 હજારની કિંમતનું મોટર સાઇકલ, અસલ નંબરપ્લેટ નંબર જીજે10 ઇએલ 3100 તથા જીજે10 ઇએલ 31 નંબરની બનાવટી નંબર પ્લેટ કબ્જે કરી હતી.
આ કેસમાં બનાવટી નંબરપ્લેટ તૈયાર કરવામાં મદદગારી કરનાર શખ્સોને શોધવા બેડેશ્વર પોલીસ ચોકી સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇબ્રાહીમ ઉર્ફે ડાડો મહમદ હનીફ નોતિયાર નામના શખ્સે બનાવટી નંબર પ્લેટ બનાવી આરોપી ફૈઝલને આપી હોય સીટી બી પોલીસે તેને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


