યાત્રાધામ દ્વારકાએ હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થધામ હોય, અહીં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ અંગે મંદિર વહીવટદાર પાર્થ તલસાણીયાએ જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાધીશ મંદિરમાં ચાત્રીકો ભારતીય સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને જગતમંદિરમાં લોકો પ્રવેશે તેવો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
જગતમંદિરે આવતા કોઈપણ ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે લેવાયેલા આ નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા છે તેમજ વિવિધ માધ્યમોથી પણ જગતમંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
દ્વારકાવાસીઓ દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આ સાથે સ્થાનીક તંત્ર, હોટેલ માલીકો, રીક્ષાચાલકો તેમજ સ્થાનીક નાગરીકો પણ યાત્રાળુઓને આ વાતથી માહિતગાર કરે તે બાબતને અપેક્ષિત ગણવામાં આવી રહી છે.