પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાએ ત્રણ-ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે. ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. આજે રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, હાલ રાજકોટના છેવાડે આવેલા શાપરમાં એક પાટીદાર અગ્રણીની ફેક્ટરીમાં સાંજની બેઠકની રૂપરેખા તૈયાર કરવા મિટિંગ ચાલી રહી છે. હજુ પણ સાંજની મિટિંગનું સ્થળ અને કયા આગેવાનો આવશે તે બાબતે સમાજે મૌન સેવ્યું છે. જોવાનું એ રહ્યું કે, શું પોલિટિકલ પાર્ટીના નેતાઓ બેઠકમાં જોડાશે કે નહીં. હાલ તો ભાજપના નેતાઓની દિલ્હી આવનજાવન શરૂ થઈ ગઈ છે. રાજકોટ બેઠક પરના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવાદ વકરતા જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. જોકે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારબાદથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યું છે. ગઈકાલે (2 એપ્રિલ) ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે તેઓ રૂપાલાને માફ કરે. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજ સાથે 3 એપ્રિલે બેઠક કરાશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈને આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.જોકે આ બેઠક નિષ્ફળ રહી છે. ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી. ક્ષત્રિય સમાજે કહ્યું કે, ’પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.