જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતાં બે મિત્રો વહેલી સવારના સમયે વોકિંગ કરવા ગયા હતા અને પરત ઘરે ફરતા હતા ત્યારે સિક્કા નજીક રસ્તા પર પાછળથી પુરપાટ આવી રહેલા બાઇકચાલકે બન્ને મિત્રોને ઠોકર મારી હડફેટ લેતાં એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના જલાલુદીમનયદ્રી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતો તથા ખાનગી નોકરી કરતા ઉપેન્દ્રભાઇ અંબિકાભાઇ યાદવ (ઉ.વ.34) નામનો યુવાન ગત્ તા. 15ના રોજ સવારના સમયે તેના મિત્ર શ્રીરામ તિલકધારી યાદવ (ઉ.વ.47) નામના યુવાન સાથે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં વોકિંગ કરવા નીકળ્યા હતા. વોકિંગ કર્યા બાદ બન્ને મિત્રો તેના ઘર તરફ જતા હતા ત્યારે મુંગણીથી સિક્કા તરફના માર્ગ પર સીઆઇએસએફ હાઉસિંગ સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા જીજે10-ઇજી-9991 નંબરના એક્સેસ બાઇકચાલકે બન્ને મિત્રોને ઠોકર મારી હડફેટ લીધા હતા. આ અકસ્માતમાં ઉપેન્દ્રને શરીરે અને માથામાં તથા તેના મિત્ર શ્રીરામ યાદવને માથામાં તથા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી.
ત્યારબાદ બન્ને મિત્રોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન શ્રીરામ તિલકધારી યાદવનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે ઉપેન્દ્રભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જે. ડી. મેર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઇકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


