જામનગરમાં નોંધાયેલ ગુજરાતના પ્રથમ દર્દીનો રીપોર્ટ હજુ નેગેટીવ નહી : વિશ્વના 63 દેશો સુધી ફેલાયો વેરીયન્ટ : ભારતમાં આજે ઓમીક્રોનનો એક પણ નવો કેસ નહી : એપ્રિલ 2022ના અંત સુધી યુકેમાં ઓમીક્રોનથી 75000 મોત થઇ શકે
ઓમીક્રોન વેરિયન્ટ હવે વિશ્વના 63 દેશો સુધી ફેલાઈ ગયો છે. બ્રિટનમાં આજે કોરોનાના નવા વેરિયન્ટથી એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભારતની વાત કરવામાં આવે તો રવિવારે પાંચ નવા ઓમિક્રોન કેસ નોંધાયા હતા. હવે ઓમીક્રોનની સંખ્યા વધીને 38 થઈ છે.સારી વાત એ છે કે દેશમાં આજે ઓમીક્રોન વેરિયન્ટનો નવો કોઈ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રમાં કુલ 18 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાત, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ,દિલ્હી અને ચંડીગઢમાં પણ ઓમીક્રોનના કેસ છે.
ગુજરાતમાં જામનગર સિવાય ક્યાય ઓમીક્રોનના કેસ નથી. જામનગરમાં 3 દર્દીઓ છે. પરંતુ ચિંતાની વાત એ છે કે જીજી હોસ્પિટલમાં ઓમીક્રોન સંક્રમિત પ્રથમ દર્દી જે સારવાર હેઠળ છે તેનો રીપોર્ટ હજુ સુધી નેગેટીવ આવ્યો નથી. તો જામનગરમાં છેલ્લા 5-6 દિવસથી કોરોનાના કેસે રફતાર પકડી હતી પરંતુ આજે એક પણ કેસ નોંધાયો નથી. તે સારી બાબત છે.
અત્યાર સુધીના સૌથી ખતરનાક ગણાતા કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને એક નવો અભ્યાસ સામે આવ્યો છે. યુકેના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન પર એક અભ્યાસ કર્યો છે અને તે બહાર આવ્યું છે કે એપ્રિલ 2022 સુધીમાં ઓમિક્રોન દેશમાં 25,000 થી 75,000 લોકોના મોતનું કારણ બની શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને દક્ષિણ આફ્રિકાની સ્ટેલેનબોશ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસના આ આંકડા ખૂબ જ ચિંતાજનક છે. ઓમીક્રોન વેરીયન્ટનો પ્રથમ કેસ દક્ષીણ આફ્રિકામાં નોંધાયો હતો ત્યાંના રાષ્ટ્રપતિને પણ કોરોના થયો છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ વેક્સિનના બન્ને ડોઝ પણ લીધા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રવિવારે કહ્યું હતું કે ઓમિક્રોન કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે. એ વેક્સિનની અસરકારકતા પણ ઘટાડે છે.