ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અત્રેથી બે કિલોમીટર દૂર પેટ્રોલ પંપ પાસેના માર્ગ પરથી ગત તારીખ 19 ના રોજ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા સફેદ રંગની એક મોટરકારના ચાલકે આ રસ્તાના એક બાજુ બેઠેલા જેબુનબેન ઈબ્રાહીમ પટેલ નામના 73 વર્ષના વૃધ્ધાને અડફેટે લેતા તેમને પ્રાણઘાતક ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
એટલું જ નહીં, તેમની સાથે રહેલા સાહેદ બિલ્કિસબેન હબીબભાઈ જીવાણી અને ખેરુનબેન કાસમભાઈ બ્લોચ નામના અન્ય બે મહિલાઓને પણ નાની મોટી ઈજાઓ થતા અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ ગંભીર અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક નાસી છુટયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે અહીંની પોલીસે ભાણવડના રહીશ શબીરભાઈ હુસેનભાઈ હિંગોરાની ફરિયાદ પરથી અજાણ્યા કાર સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ એલ.એલ. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.