નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં મોંઘવારી પરજવાબ આપતા જણાવ્યું હતું કે યુપીએ સરકારમાં મોંઘવારી નવ વખત ડબલ ફિગરથી ઉપર રહી. તેનાથી વિપરીત અમે મોંઘવારીને સાત ટકાથી નીચે લાવવા પ્રયત્નશીલ છીએ. સીતારામને જણાવ્યું હતું કે જીએસટી કલેકશન છેલ્લા પાંચ મહિનાથી 1.4 લાખ કરોડ પર છે. જુનમાં 8 ઇન્ફ્રા સેક્ટરમાં દ્વિઅંકી દરે વૃદ્ધિ થઈ છે. જુનમાં કોર સેક્ટરમાં વાર્ષિક દરે 12.7 ટકાનો વધારોથયો છે. આમ ભારતીય અર્થતંત્ર હકારાત્મક સંકેત પાઠવી રહ્યુ છે.સીતારામને જણાવ્યું હતું કે ભારતમાં મંદીની શક્યતા નથી. બ્લૂમબર્ગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ પણ જણાવ્યું છે કે ભારતમાં મંદીની શક્યતા શૂન્ય છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાના લીધે ખાદ્યતેલના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. બીજી બાજુએ કોરોનાની બીજી લહેર, ઓમિક્રોન, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં અમે ફુગાવાને સાત ટકા કે તેથી નીચે જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતની તુલના પાકિસ્તાન અને શ્રીલંકા સાથે કરી શકાય નહી. અન્ય વૈશ્વિક અર્થતંત્રોની તુલનાએ ભારતીય અર્થતંત્ર ઘણી સારી સ્થિતિમાં છે. ભારતે અગાઉ ક્યારેય ન હોય તેવા રોગચાળાનો સામનો કર્યો હતો. તેમાથી બહાર નીકળવા માટે દરેક જણે તેના સ્તરે કામ કરી રહ્યા છે. આ માટે હું ભારતના લોકોને શ્રેય આપું છું. તેના લીધે વિપરીત સ્થિતિમાં પણ ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં છે.