રાજકોટ રેન્જના નવ નિયુક્ત આઈ.જી. અશોકકુમાર યાદવે તાજેતરમાં પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિરની ગઈકાલે શુક્રવારે ખાસ મુલાકાત લીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાને સાથે રાખીને નવનિયુક્ત રેન્જ આઈ.જી.એ જગત મંદિરે શીશ ઝુકાવ્યું હતું.
ત્યાર બાદ હાલ તહેવારના દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા આવેલા યાત્રાળુઓ વડીલો વિગેરે સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓ માટે ખૂટતી સુવિધાઓ તેમજ યાત્રિકોને તકલીફ ન થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે માટે રેન્જ આઈ.જી. દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આગામી સમયમાં મંદિર સુરક્ષા તેમજ યાત્રાળુઓ માટેની વ્યવસ્થા વધુ સારી રીતે આપી શકાય તે માટે પોલીસ વડા તથા ડીવાયએસપી સાથે ચર્ચા વિચારણા કરી, અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા જરૂરી સૂચન તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.