સંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા આજે ખંભાળિયા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં 4.34 કરોડ રૂ ની કિંમતની વિભિન્ન યાત્રી સુવિધાઓના કાર્યો તથા માર્યાદિત ઊંચાઈવાળા સબવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ મંડળ રેલ પ્રબંધક અનિલકુમાર જૈને સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા સ્ટેશન પર પ્લેટફોર્મ નં 2 પર નવનિર્મિત પેસેન્જર લિફ્ટ, પ્લેટફોર્મ નં 1 પર નવનિર્મિત કવર શેડ, પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર નવનિર્મિત 6 પાણીના ફુવારા અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નં 234. નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ પેસેન્જર સુવિધાઓ અને સબવેના બાંધકામની કુલ કિંમત લગભગ રૂ. 4.34 કરોડ છે. જેમાં પેસેન્જર લિફ્ટની કિંમત રૂ.59.33 લાખ, કવર શેડની કિંમત રૂ.23.20 લાખ, 6 વોટર ફાઉન્ટેનની કિંમત રૂ.48,000/- અને નવનિર્મિત મર્યાદિત ઉંચાઈવાળા સબવે નંબર 234ની કિંમત રૂ.3.51 કરોડ સામેલ છે
આ તકે સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ખંભાળિયા રેલ્વે સ્ટેશન પર કવર શેડ અને પાણીના ફુવારા ની સુવિધા મુસાફરો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, ખંભાળિયા યાર્ડ ખાતે નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નં.234ના નિર્માણથી સામાન્ય જનતાને વારંવાર ફાટક બંધ થવાના કારણે માર્ગ બંધ થવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અવસર પર ખંભાળિયા શહેરની વિભિન્ન સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા સાંસદ પૂનમબેનનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ડીઆરએમ જૈને તેમના ઉદ્દબોધનમાં સંસદ સભ્ય પૂનમબેન દ્વારા રેલ્વે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. અંતમાં, સિનિયર મંડળ વાણિજ્ય પ્રબંધક અભિનવ જેફે સાંસદનો કાર્યક્રમમાં તેમની મહાન હાજરી બદલ આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું
આ સમારોહમાં ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત મહેમાનો સહિત રાજકોટ મંડળના સિનિયર મંડળ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અર્જુન શ્રોફ, સિનિયરમંડળ સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર એચ.એસ. આર્ય, સિનિયરમંડળ એન્જિનિયર (પશ્ચિમ) નરેન્દ્રસિંહ સહિત ખંભાળિયાના અનેક પ્રતિષ્ઠિત મહેમાનો, રેલવેના વિવિધ મંડળોના વરિષ્ઠ અધિકારીઓ, સામાન્ય જનતા ઉપસ્થિત રહી હતી.