જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા તેમના સભ્યોની ઉત્પાદિત પ્રોડકટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને તેમનો વૈશ્ર્વિક પ્રચાર થાય તે માટે સંસ્થા દ્વારા સભ્યોની સંપૂર્ણ માહિતીસભર www.jamnagarf actoryssociation.com ના નામની વેબસાઇટ તથા મોબાઇલ એપનું જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે ગત તા. 24ને રવિવારના રોજ લોન્ચીંગ કરવામાં આવ્યું. કોરોના મહામારી અનુસંધાને સરકારની ગાઇડલાઇન મુજબ પ્રમુખ લાખાભાઇ એમ. કેશવાલા, માનદ્મંત્રી અશોકભાઇ દોમડીયા, ખજાનચી ભાઇલાલભાઇ ગોધાણી તથા સંપાદક મનસુખભાઇ સાવલાની ઉપસ્થિતિમાં લોન્ચીંગવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની વેબસાઇટમાં બ્રાસઉદ્યોગનો ઇતિહાસ, સંસ્થા દ્વારા સંચાલિત મેટલ ટેસ્ટીંગ લેબની વિગત, જામનગરમાં બનતા બ્રાસપાર્ટસની વિગત, ઉદ્યોગોને સંબંધિત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા જુદા જુદા પરિપત્રોની માહિતી, જામનગરના ઉદ્યોગો તથા સભ્યોની વિગતો, મહત્વની વેબસાઇટની લીંક, દેશ-વિદેશમાંથી આવતી ઇન્કવાયરી વગેરે સહિતની ઉપયોગી માહિતીઓનો સમાવેશ કરવામાં આવનાર છે.
આ વેબસાઇટ તથા મોબાઇલ એપની વિશેષતા એ છે કે, સંસ્થાના સભ્ય એકમો પાસેથી બહારગામની પાર્ટીઓ માલ ખરીદ કરી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી કરતી હોય છે. આ ઉપદ્રવને રોકવા માટે તથા આવી પાર્ટીઓની ઓળખ અન્ય ઉદ્યોગકારમિત્રોને પણ થાય અને તેનો ભાગ ન બને તે માટે સંસ્થાએ તેમની વેબસાઇટ/મોબાઇલ એપમાં ડિસ્પ્યુટેડ પાર્ટીની નામાવલી મૂકવાનું પણ આયોજન કરેલ છે. જેનાથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાનીથી બચાવી શકાશે.
આ વેબસાઇટ પર જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના તમામ સભ્યો તેમની વિગતોનું ફ્રી લીસ્ટીંગ કરાવી શકશે. વિશેષમાં જે ઉદ્યોગકાર મિત્રોને પોતાની વેબસાઇટ ન ધરાવતા હોય તેઓ અત્યંત વ્યાજબી દરથી તેમની જાહેરાત/કેટલોગ મૂકી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સર્વે સભ્યોને આ વેબસાઇટ દ્વારા તેમના ધંધાનો વ્યાપ વધારવાની આ તકનો લાભ લેવા માનદ્મંત્રી અશોકભાઇ દોમડીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ હતો.