જામનગર શહેરના રણજીત સાગર રોડ પરના પુષ્કર ધામ સોસાયટીમાં રહેતાં યુવાને પાચ ટકા વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ભરતો હતો તેમ છતાં વ્યાજખોરે યુવાનને ઓફિસે બોલાવી ધોકા વડે માર મારી ધમકી આપી મોબાઇલની લુંટ ચલાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી. જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી.
ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ એન.જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.