મૂળ મધ્યપ્રદેશના અને હાલ ભાણવડમાં રહેતાં આધેડને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતાં તેનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના પાછતર ગામે રહીને મજૂરી કામ કરતા ભોલુભાઈ ઉર્ફે ભાયાભાઈ ગીલુભાઈ ખરતે નામના 50 વર્ષના આદિવાસી યુવાનને દારૂ પીવાની ટેવ હોય, તેમના પત્નીએ ભોલુભાઈ ઉર્ફે ભાયાભાઈને દારૂ પીવાની ના કહી, મીઠો ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેમણે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ઉપલેટાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


