Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયખેડૂતોની દિલ્હી કૂચ : 16મીએ ભારત બંધનું એલાન

ખેડૂતોની દિલ્હી કૂચ : 16મીએ ભારત બંધનું એલાન

- Advertisement -

ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. મંગળવારે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે. જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ ખેડૂતોના માર્ગમાં વચ્ચે સિમેન્ટ કોંક્રિટના બ્લોક તેમજ ખીલા ધરબી દેવાયા હતા ત્યારે હવે દિલ્હીમાં એક મહિના માટે 144 લાગુ કરીને કેટલાક પ્રતિબંધ લગાવાયા છે. જ્યારે પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં બે મહિના માટે આ પ્રતિબંધ મુકી દેવાયા છે. જેને પગલે એવી શક્યતાઓ છે કે આ વખતે પણ ખેડૂતો આ આંદોલન લાંબા સમય સુધી ચાલુ રાખી શકે છે.

- Advertisement -

દરમિયાન અન્ય રાજ્યોના ખેડૂતો પણ ટ્રેન વગેરેની મદદથી દિલ્હી પહોંચી રહ્યા છે. કર્ણાટકના ખેડૂતો દિલ્હી જઇ રહ્યા હતા, જોકે તેમને મધ્ય પ્રદેશમાં ભોપાલમાં સ્ટેશન પર રોકી લેવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરાઇ હોવાનો આરોપ લાગી રહ્યો છે. કર્ણાટકના ખેડૂતોએ રેલવે સ્ટેશન પરથી વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે મધ્ય પ્રદેશમાં તેમની સાથે પોલીસ દ્વારા મારપીટ કરાઇ છે જેમાં મહિલા ખેડૂત ઘાયલ થઇ ગઇ છે. આ મુદ્દે કર્ણાટક સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર બન્ને આમને સામને આવી ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ ખેડૂતોને છોડી મુકવા અને તેમને દિલ્હી અન્ય ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા દેવાની માગણી કરી છે. સંયુક્ત કિસાન મોરચાએ પણ ખેડૂતોને છોડી મુકવા અપીલ કરી છે.

બે વર્ષ પહેલા ખેડૂતોએ દિલ્હીમાં એક વર્ષ લાંબુ આંદોલન ચલાવ્યું હતું, જે દરમિયાન ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની પણ માગ હતી. જે હજુસુધી પુરી ના થતા ફરી આંદોલન શરૂ થયું છે. આ વખતે ખેડૂતોની મુખ્ય માગણી ટેકાના ભાવ માટે કાયદો, વૃદ્ધ ખેડૂતો અને ખેત મજૂરો માટે પેંશન, દેવા માફ કરવા, સ્વામિનાથન કમિશનની ભલામણો લાગુ કરવી, વિજળી બિલ (2020) રદ કરવું, મનરેગા હેઠળ વર્ષે 200 દિવસનું કામ આપવું અને દૈનિક વેજ 700 રૂપિયા કરવા વગેરે સહિત 11 જેટલી માગણીઓ મુકી છે. જેને લઇને ચંડીગઢમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અર્જુન મુંડાએ 8 ફેબુ્રઆરીએ ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી હતી.

- Advertisement -

જોકે તેમાં કોઇ પરિણામ ન નિકળતા આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આશરે પાંચ હજાર જેટલા ટ્રેક્ટર સાથે 25 હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દરમિયાન હરિયાણામાં કેટલાક વિસ્તારોમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જોકે પોલીસે રોકવા માટે લગાવેલા બેરિકેડ્સને ખેડૂતોએ ટ્રેક્ટર વડે હટાવી દીધા હતા અને આગળ વધી ગયા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ખેડૂતોએ સિમેન્ટના બેરિકેડ્સ, રોડ પર ધરબેલા ખીલાને પહોંચી વળવા પોતાના ટ્રેક્ટરને મોડિફાઇ કર્યા હોવાના પણ અહેવાલો છે. રાજસ્થાન પોલીસે પંજાબ અને હરિયાણાની બોર્ડરને સીલ કરી દીધી છે. જ્યારે ગંગાનગર અને હનુમાનગઢમાં 144 લાગુ કરી દીધી છે. દરમિયાન હરિયાણાની સરહદે ખેડૂતોને રોકવા માટે 12 લેયરની સુરક્ષા ખડકી દેવાઇ છે. સિરસામાં બે કામચલાઉ જેલ પણ તૈયાર કરાઇ હોવાના અહેવાલો છે. જ્યાં અટકાયત કર્યા બાદ ખેડૂતોને રાખવામાં આવી શકે છે. હાલ દિલ્હીની સિંઘુ, ટિકરી બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. જ્યારે પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર પણ સીલ છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવાયા છે. તેથી મંગળવારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ શકે છે. હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં, ચંડીગઢ અને દિલ્હીમાં 144 લાગુ કરી દેવાઇ હોવાથી 4થી વધુ લોકોને એકઠા નહીં થવા દેવાય તેમજ રેલીઓ, ધરણા પણ નહીં કરી શકાય. તેથી મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયતની પણ શક્યતાઓ છે. હરિયાણામાં જ અર્ધ સૈન્ય દળની 114 કંપનીઓ અને રાજ્યની પોલીસને તૈનાત કરી દેવાઇ છે.

સંયુક્ત કિસાન મોરચા દેશના 500 જેટલા ખેડૂત સંગઠનોનું એક સંયુક્ત સંગઠન છે. જોકે દિલ્હીમાં વર્ષ 2020માં કૃષિ કાયદા સામે જે આંદોલન થયું હતું તે સંયુક્ત કિસાન મોરચાનો હિસ્સો વર્તમાન આંદોલનમાં સામેલ નથી થયો. સંયુક્ત કિસાન મોરચાના આ બીજા ધડાએ 16મી માર્ચે આ તમામ માગણીઓને લઇને ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતોની આગેવાની સંયુક્ત કિસાન મોરચાના અન્ય નેતા જગજીતસિંઘ દાલેવાલ (ભારતીય કિસાન યુનિયન સિધ્ધુપુર સંગઠનના પ્રમુખ) અને તાજેતરમાં લોન્ચ કરાયેલા કિસાન મઝદૂર મોર્ચાના સરવણસિંહ પંઢેર લઇ રહ્યા છે. જેઓ કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના ક્ધવેનર છે, તેઓ અગાઉ 2020માં થયેલા આંદોલનમાં સામેલ નહોતા થયા અને અલગથી આંદોલન કર્યું હતું. જ્યારે 16મી તારીખે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને મોરચાના અગાઉના નેતાઓ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. આમ સંયુક્ત કિસાન મોરચામાં બે ફાટા જોવા મળી રહ્યા છે. જોકે આ બન્ને સંગઠનો સાથે સંકળાયેલા ખેડૂતો બન્ને આંદોલનમાં સામેલ થઇ રહ્યા છે. અગાઉના આંદોલનકારી નેતાઓએ વર્તમાન આંદોલન મુદ્દે કોઇ વિરોધ નથી કર્યો અને 16મીએ ભારત બંધનું એલાન કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular