જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલા હાઇવે પર હોટલ નજીકથી એસઓજીની ટીમે બાતમીના આધારે શખ્સને 2.900 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ નાગપુરના સપ્લાયર સહિતના બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાંથી અવારનવાર નશીલા પદાર્થોનો જથ્થો મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. યુવાનોને જિંદગીને બરબાદ કરી નાખતા આવા નશીલા પદાર્થોનું બેરોકટોક વેચાણ થતુ હોય તે ચિંતાની બાબત છે. પોલીસતંત્ર દ્વારા પણ સમયાંતરે કાર્યવાહી દરમિયાન નશિલા પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. પરંતુ આ નશીલા પદાર્થનું વેચાણ કે હેરાફેરી અટકતી નથી. દરમ્યાન જામનગર એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેકટર વી. બી. ચૌધરી, પીએસઆઈ એ. વી. ખેર, પો.કો. વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, વિજયભાઇ કારેણા, મયૂરરાજસિંહ જાડેજા તથા સ્ટાફે જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક હાઇવે પર આવેલી રૂદ્રાક્ષ હોટલ પાસેથી હાજી ઉર્ફે દુનો આદમ ખફી (ઉ.વ.26, રહે. સુમરા ચાલી, ઉનની કંદોરી પાસે, જામનગર) નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી રૂા. 1,45,000ની કિંમતનો 2 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ એસઓજીએ હાજી પાસેથી ગાંજાનો જથ્થો અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા એક થેલો અને એક રેલવે ટિકિટ સહિત કુલ રૂપિયા 1,50,000નો મુદ્ામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતા બંદુબાબા પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


