સમગ્ર દેશમાં ગઈકાલે રવિવારે”એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન” કાર્યક્રમ યોજાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શિવરાજપુર બીચ ખાતે જિલ્લા કક્ષાના મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું છે. આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખી સ્વચ્છ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરીએ.” વધુમાં તેમણે લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારના ઉમદા ધ્યેય સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણે સૌ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને આપણા જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવીએ.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સાથે અગ્રણીઓ, અધિકારીઓ અને લોકોએ સહભાગી બનીને શ્રમદાન કર્યું હતું.