મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને એસીબીએ રૂા. 10,000ની લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ ફરિયાદીના કુટુંબી ભાઇએ વેચાણ રાખેલ જમીન ફરિયાદીના કાકાના નામે કરવા કાચી નોંધ પડી ગઇ હોય જે નોંધ પાકી કરવાના અવેજ પેટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં જિગ્નેશકુમાર બીપીનચંદ્ર પંડયા દ્વારા ફરિયાદી પાસે રૂા. 10,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક પીએચ ભેંસાણીયાના સુપરવિઝન હેઠળ મહીસાગર એસીબીના પીઆઇ એમ.એમ. તેજોત સહિતના સ્ટાફ દ્વારા બે રાજય સેવક પંચોને સાથે રાખી છટકું ગોઠવી આરોપી જીગ્નેશકુમાર બિપીનચંદ્ર પંડયાને રૂા. 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.