જોડિયા તાલુકાના જશાપર ગામના પ્રૌઢ ખેડૂતે બે શખ્સો પાસેથી 29 લાખ વ્યાજે લીધા બાદ આ પેટે બન્ને વ્યાજખોરોએ ખેડૂત પાસેથી 80 લાખ પડાવી લઇ સોનાના દાગીના અને જમીનની ખાતાવહી પડાવી લઇ બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કર્યાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા નરભેરામ ડાયાભાઇ પનારા (ઉ.વ.56) નામના પ્રૌઢ ખેડૂતે જાન્યુઆરી 2023થી જનક જીલુ ડાંગર પાસેથી માસીક 3 ટકાના ઉંચા વ્યાજે રૂા.20 લાખ લીધા હતાં અને આ રકમની સિકયોરીટી પેટે સહિ કરેલા કોરા ચેક આપ્યા હતાં. આ રકમ પેટે ખેડૂતે જુદા જુદા સમયે રોકડ તથા ગુગલ-પે મારફત વ્યાજપેટે જુન 2026 સુધીમાં રૂા.60,89,000ની રકમ ધાક ધમકી આપી પડાવી લીધી હતી તેમજ જનકે પ્રૌઢ ખેડૂતની સોનાની ત્રણ વીંટીઓ અને જમીનની ખાતાવહી પણ પડાવી લીધી હતી. તેમજ ખેડૂતે રાહુલ બચુ ડાંગર પાસે માસીક 3 ટકાના ઉંચા વ્યાજે 9 લાખ રૂપિયા લીધા હતાં. આ રકમ પેટે ખેડૂતે રોકડ અને ગગુલ-પે મારફતે વ્યાજખોરે 20 લાખ રૂપિયા વસુલ્યા હતા તેમજ પ્રૌઢ પાસે હાથઉછીના રૂપિયા લીધા હોવાનું બળજબરી પૂર્વક લખાણ કરાવી લીધુ હતું. ઉપરાંત બન્ને વ્યાજખોરે ખેડૂત પ્રૌઢ પાસેથી અવાર નવાર વ્યાજ અને મુદલની રકમની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપી હતી.
બન્ને વ્યાજખોરે ખેડૂત પ્રૌઢ પાસેથી માસીક 3 ટકાના વ્યાજે આપેલી રૂા.29 લાખની રકમ પેટે 80,89,000ની જંગી રકમ પડાવી લીધી હતી. તેમજ ખેડૂત પ્રૌઢની સોનાની વિંટીઓ અને ખાતાવહી પણ પચાવી પાડી હતી. આ બન્ને વ્યાજખોરો વિરૂઘ્ધ પ્રૌઢે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે હે.કો. જે.કે. દલસાણીયા તથા સ્ટાફે ખેડૂતના નિવેદનના આધારે બે વ્યાજખોરો વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


