ભારતમાં સહેલાણીઓ માટે સૌથી આકર્ષક બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનીટીમાં નવા નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે અને તેના કારણે હવે તે વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનવા પણ જઈ રહ્યું છે.
તેમાં ગુજરાત સરકારે હવે કેવડીયા પાસે 100 હેકટર જમીન પર ટવીન એડવેન્ચર સફારી પાર્ક જેમાં જંગલના બે સૌથી વધુ આકર્ષણ ધરાવતા પ્રાણી વાઘ અને સિંહ સાથે સાથે જોવા મળશે.
સેન્ટ્રલ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ આ અંગે મંજુરી આપી દીધી છે. જો કે સિંહ અને વાઘને સાથે સાથે નહી પણ બે અલગ અલગ ક્ષેત્રમાં રખાશે. જંગલમાં આ બન્ને સૌથી ખુંખાર પ્રાણી સાથે રહી શકે નહી પણ બન્ને માટે અલગ અલગ પાર્ક હશે અને બન્નેને લીંક કરતો એરિયા હશે જયાં સહેલાણીઓ એક જ પ્રવેશથી બન્ને પ્રાણીઓને વિહરતા જોઈ શકશે.
સિંહ તો ગુજરાતની શાન છે અને જુનાગઢના સકકરબાગમાં જે સિંહોની વસતિ વધી જાય છે. તેમાંથી થોડા આ સફારી પાર્કમાં ખસેડાશે અને વાઘ માટે આફ્રિકન દેશોનો સંપર્ક કરાશે ત્યાં પાર્કમાં આઠ સિંહ અને આઠ વાઘ હશે જે બાદમાં તેમનો પરિવાર વિસ્તરે તે માટે પુરતી જગ્યા પણ હશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 6 કી.મી. દુર 100 હેકટર જમીનમાં આ પાર્ક બનશે. ટુરીસ્ટ ખુલ્લી જીપમાં તેનો આનંદ માણી શકશે. આ ક્ષેત્રમાં જંગલ સફારીનો ક્ધસેપ્ટ બની રહ્યો છે. આ ક્ષેત્ર જંગલ સફારી માટે શ્રેષ્ઠ છે અને કામકાજ ચાલુ થઈ ગયુ છે. જંગલ સફારીના અન્ય અનુભવો પણ થાય તે માટે વધુ નવા આકર્ષણ ઉમેરાશે.