ઓખા મંડળમાં બેટ દ્વારકા ખાતે મુસાફરો વિગેરેનું વહન કરતી ફેરીબોટ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોવા અંગે અગાઉ અવારનવાર કરવામાં આવેલી ફરિયાદો અંતર્ગત તાજેતરમાં મેરીટાઇમ બોર્ડ દ્વારા આ અંગેના કડક નિયમો અખત્યાર કરી અને દરેક ફેરીબોટ સંચાલકો માટે મુસાફરોને બંદર પરથી જ ટિકિટ લેવા, લાઈફ જેકેટ રાખવા, સહિતના કડક નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નિયમોની અમલવારી સહિતના મુદ્દે કેટલાક બોટ સંચાલકો મનમાની ચલાવતા હોવાથી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ ચાર ફેરી બોટના સંચાલકોના પરવાના મોકૂફ રાખવા તેમજ દંડ અંગેનો હુકમ કર્યો છે. આ અંગે સુમાહિતગાર સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ફરજ પરના સ્ટાફ સાથે ગેરવર્તન કરવા બદલ આવેશકરની બોટ, ટિકિટ વગર મુસાફરોનું વાહન કરવા બદલ મોલવીશા બોટ, બોટમાં લાઈફ જેકેટ ઉપલબ્ધ ન હોવાના કારણે અલ નબવી બોટ, તથા યાત્રિકોને પેસેન્જર બોટનું લાયસન્સ આપેલ નથી અને ફરજ પરના સ્ટાફની સૂચનાને અવગણવા બદલ મહાલક્ષ્મી નામની બોટ મળી જુદી જુદી ચાર ફેરી બોટ સર્વિસના સંચાલકોને લાયસન્સની શરતોના ભંગ બદલ કરવા બદલ આઠ દિવસ માટે પરવાનો મોકૂફ રાખવા ઉપરાંત શરતોના ભંગ બદલ રૂ. 500 નો દંડ ફટકારતો હુકમ ઓખા બંદરના ગુજરાત મેરીટાઇમ બોર્ડના બંદર અધિકારી દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની જાણ સંબંધિત સત્તાવાળાઓને પણ કરવામાં આવી છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડના આ કડક પગલાથી ચુસ્ત નિયમનું પાલન ન કરતા ફેરીબોટ સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.