જામનગર અને હાપાથી પસાર થતી વધુ બે ટ્રેનોમાં એલએચબી કોચ લગાડવામાં આવનાર હોય, જેનો આવતીકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ તકે ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રેલવે દ્વારા મુસાફરોને વધુ સુવિધા અને આરામદાયક તથા સુરક્ષાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ મુસાફરીની સેવા પુરી પાડવા માટે એલએચબી કોચનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. જામનગરથી પસાર થતી અનેક ટ્રેનોમાં રેલવે દ્વારા એલએચબી કોચ જોડાવામાં આવ્યા છે. તાજેતરમાં જામનગર સ્ટેશનથી પસાર થતી બે ટ્રેનોમાં એલએચબી કોચનો પ્રારંભ કરાયો હતો. જેમાં હવે વધુ બે ટ્રેનોનો ઉમેરો થવા જઇ રહ્યો છે. હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા ટ્રેનમાં એલએચબી કોચ જોડવામાં આવી રહ્યાં છે. જેનો આવતીકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રેલવેના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આવતીકાલે રાત્રે 9:15 વાગ્યે હાપા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3 ખાતે આયોજિત કાર્યક્રમમાં એલએચબી રેકનો પ્રારંભ થશે. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઇ અકબરી ઉપસ્થિત રહેશે.