Thursday, July 16, 2026
Homeરાજ્યહાલારનાવદ્રામાં જમીન વિવાદ વકર્યો, ફાયરીંગમાં એકને ઇજા

નાવદ્રામાં જમીન વિવાદ વકર્યો, ફાયરીંગમાં એકને ઇજા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનના કહેવાતા વિવાદને લઈ થયેલા ખાનગી ફાયરિંગના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરાવી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને પગના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ બનાવની માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે લાંબા સમયથી ચાલી રહેલા જમીનના વિવાદ દરમિયાન જુદા જુદા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આ દરમિયાન લખમણભાઈ કરમુર નામના એક વ્યક્તિને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને સ્થાનિકોની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વાયરલ થયેલા વીડિયોમાં એક ચોક્કસ વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ અને હકીકત જાણવા પોલીસ દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ ચલાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારનો કબ્જો સંભાળ્યો હતો. આ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવણીની આશંકા ધરાવતા આશરે એક ડઝન જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ઘટનાનું ચોક્કસ કારણ તેમજ તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાકાળ દરમિયાન બુધવારે આશરે પાંચેક જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. દિવસના સમયે જાહેરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચકચાર પ્રસરાવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular