જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રામનગરમાં રહેતાં યુવાને બેંકની લોનના હપ્તાની ચિંતામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા રામનગર શેરી નં.7 માં રહેતાં અને મજુરી કામ કરતા રમેશભાઈ કાનજીભાઈ ઝાલા (ઉ.વ.45) નામના યુવાને બેંકમાંથી લોન લીધી હતી અને આ લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં જિંદગીથી કંટાળીને ગત તા.06 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની આશાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.