જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં 584 આવાસો બનાવવા માટે રૂા. 67.80 કરોડ મંજૂર કરાયા હતા. સીસીરોડ, કોમ્યુનિટી હોલ સહિત કુલ રૂપિયા 77 કરોડ, 47 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂા. એક લાખ મંજૂર કરાયા હતાં.
જામ્યુકો સ્ટે. કમિટી ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને સ્ટે. કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ટીપી 3/બી એફપી 46 ઇસ્કોન મંદિર સામે જામનગર-રાજકોટ હાઇવે સાથે ઇડબલ્યુએસ 2 પ્રકારના 584 આવાસો બનાવવાના કામ અંગે રૂપિયા 67.80 કરોડ મંજૂર કરાયા હતા. જામનગર મહાનગરપાલિકા ખાતેના પ્રોજેક્ટ ઓફિસર વર્ગ 2 (યુસીડી)ના પૃથ્વીબેન જયસુખ ચોવડિયાને બાળવિકાસ યોજના અધિકારી વર્ગ 2 તરીકેની સેવાઓને સળંગ ગણવા કમિશનરની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવાનું મંજૂર કરાયું હતું. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ખાતે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને નવી નિમણૂંક આપવાની કમિશનરની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને એમઆઇએસ સ્પેશિયાલિસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ બેઈઝથી નવી નિમણૂંક આપવાની મંજૂરી અપાઇ હતી.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નંબર 13માં ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં સીસીરોડ/સીસી બ્લોક માટે રૂા. 1.50 કરોડ, વોર્ડ નંબર 3માં રૂપિયા બે કરોડ, વોર્ડ નંબર 6માં એરફોર્સ ગેઇટથી ઢીચડા ગામ મેઇન રોડ ક્રોઝ વે સાથે આંગણવાડી સુધી સીસી રોડના કામ માટે રૂા. 6.04 કરોડ, સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર 13 ગણેશવાસ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ બનાવવા રૂા. 11.70 લાખ મંજૂર કરાયા હતાં. તેમજ 1 સીએચસી માટે મંજૂર થયેલ ખર્ચમાંથી ત્રણ સીએચસીના સાધનોની ખરીદીના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી.
આગામી સમયમાં યોજાનાર શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂપિયા એક લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. ચેરમેન ધીરેન મોનાણી તથા દસ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા અને કુલ રૂા. 77 કરોડ, 47 લાખના કામોને બહાલી અપાઇ હતી. આ ઉપરાંત બેઠકમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઇ ડેર, કમિશનર દીપેશ કેડિયા, ડે. કમિશનર દેવેન્દ્રસિ:હ ઝાલા, સિટી એન્જી. ભાવેશભાઇ જાની, આસિ. કમિશનર (વ.) મુકેશભાઇ વરણવા, આસિ. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશભાઇ નિર્મળ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.


