જામનગર શહેરના મિગકોલોની વિસ્તારમાં રહેતાં અને મેટલનો વ્યવસાય કરતા વેપારી સાથે રાજસ્થાનના અને મુંબઇના બે શખ્સોએ વિશ્વાસમાં લઇ માલ અપાવવાના બહાને એક લાખ એડવાન્સ લઇ જયપુર બોલાવી ડુપ્લીકેટ માલ ધાબડી દઇ રૂા.59 લાખની છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એસ.ટી.ડેપો પાસે આવેલા મીગ કોલોનીમાં રહેતાં મુકેશભાઈ હરખલાલ શાહ (ઉ.વ.50) નામના યુવાનની નાઘેડીમાં આવેલા મેકસીકો મેટલ ઈમ્પેકટ નામની પેઢી માટે રાજસ્થાનના જયપુરમાં આવેલા વિનોદ ટે્રડર્સ નામના પ્રોપરાઈટર વિનોદ તથા મુંબઇના મુના ગોહિલ નામના દલાલ એ એકસંપ કરી વેપારીને વિશ્ર્વાસમાં લીધા હતાં અને માલ અપાવી દેવા માટે ડિલ કરી એક લાખ રૂપિયા એડવાન્સ લઇ લીધા હતાં ત્યારબાદ જામનગરના વેપારીને માલની ડીલેવરી લેવા માટે જયપુર બોલાવ્યા હતાં. જ્યાં બંને શખ્સોએ વેપારીને ડુપ્લીકેટ માલ ધાબડી દઇ રૂા.59,00,100 ની રકમ પડાવી લીધી હતી.
જો કે, વેપારીને બાદમાં ખબર પડી કે ડુપ્લીકેટ માલ ધાબડી દીધો છે ત્યારબાદ અવાર-નવાર જયપુરના વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના તરફથી કોઇ ઉત્તર ન મળતા આખરે મુકેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે એ પંચ બી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂધ્ધ 59,00,000 ની છેતરપિંડી મામલે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.