Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરગોવાણામાં બોરવેલમાં ફસાયેલા રાજે જિંદગીનો જંગ જીત્યો - VIDEO

ગોવાણામાં બોરવેલમાં ફસાયેલા રાજે જિંદગીનો જંગ જીત્યો – VIDEO

પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત : ફાયર બ્રિગેડની બિરદાવવાલાયક કામગીરી : રાકેશ ગોકાણી અને કામીલ મહેતાની કામગીરીએ રંગ રાખ્યો : નવ કલાકની મહેનત સફળ થતા તંત્રને રાહત

- Advertisement -

લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારનો બે વર્ષનો પુત્ર ખુલ્લા બોરવેલમાં પડી જતાં પોલીસવડાની ઉપસ્થિતિમાં જામનગર ફાયર ટીમની જહેમત સફળ થતા બાળકને આબાદ બચાવી લઇ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રામદે રણમલ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના પરપ્રાંતીય શ્રમિકનો બે વર્ષનો પુત્ર રાજ વસાવા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને કાલાવડ તથા રીલાયન્સ કંપનીની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. તેમજ લાલપુર મામલતદાર પોલીસ વિભાગ અને 108 ની ટીમ તથા આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતો સહિતનાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર ટીમ દ્વારા બોરવેલમાં 14 ફુટ સુધી ફસાયેલા રાજને બચાવી લેવા માટે બાજુમાં જ સૌપ્રથમ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જેસીબી અને બ્રેકરની મદદથી આડું ડ્રીલિંગ કરીને બાળકને હેમ ખેમ જીવિત અવસ્થામાં બહાર ખેંચી લેવાયો હતો. જેને સહી સલામત રીતે બહાર કાઢી લેવાતાં બાળકના માતા-પિતા સહિતના વાલી વગેરેએ હર્ષના આંસુ સાથે બાળકને ગળે લગાવી લીધો હતો એટલું જ માત્ર નહીં આ સફળ કામગીરી કરનાર સમગ્ર વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. ઉપરાંત સમગ્ર તંત્રએ બાળકને હેમ ખેમ બહાર કાઢી લીધું હોવાથી અને 9 કલાકની રેસક્યૂ કામગીરી આખરે સફળ પુરવાર થઈ હોવાથી સર્વેએ રાહતનો શ્વાસ લીધો છે.

- Advertisement -

બાળકને બોરવેલ માંથી બહાર કાઢી લીધા પછી 108 ની ટુકડી સ્થળ પર જ હાજર હતી જેને બાળકને ઓક્સિજન સહિતની તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી હતી. બાળકને શરીર ના ભાગે માત્ર એક બે સ્થળે સામાન્ય ઉઝરડા પડ્યા હતા. અન્યથા કોઈ બાહ્ય ઇજા ન હોવાથી બાળકને જામનગરની જી.જી. હોસ્પિટલમાં 24 કલાક માટે ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ-પોલીસ-108 વગેરેની ટીમ પરત ફરી હતી.

ફાયર બ્રિગેડના રાકેશ ગોકાણી તેમજ કામિલ મહેતાની પ્રશંસનીય કામગીરી
લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં બોરવેલ માં ફસાયેલા બે વર્ષના બાળક રાજ ને જીવિત અવસ્થામાં કાઢી લેનાર જામનગરની ફાયર બ્રિગેડ શાખાના રાકેશ ગોકાણી તથા કામિલ મહેતા કે જેને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર સી.એસ. પાંડીયન વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા બાળકના માતા-પિતા તથા અન્ય પરિવારજનો વાડી માલિક અને આસપાસના વિસ્તારના ખેડૂતો વગેરેએ પણ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટુકડી ઉપરાંત કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટુકડી તેમજ પોલીસ તંત્ર અને 108 ની ટીમ વગેરેનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લામાં બોરવેલ ની ઘટનામાં બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular