જામનગર સહિત સમગ્ર રાજ્યના જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ્) દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ડિટેક્શન કેટેગરીના ત્રણ મહિનાના અવલોકનમાં જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરએ પ્રથમ રેન્ક મેળવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ રાજ્યમાં જિલ્લાકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુનાઓના ડિટેકશનની કામગીરીનું ત્રિમાસિક અવલોકન રાજ્યના ડીજીપી જી. એસ. મલેક દ્વારા કરવામાં આવે છે. તા. 01-01-2026 થી તા. 31-03-2026 સુધીના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી વી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. બી. સિંગલ, એએસઆઇ પરેશભાઇ ખાણધર, હે.કો. પ્રદીપસિંહ સોઢા તથા નેત્રમ્ની ટીમ દ્વારા આ સમયગાળા દરમ્યાન હિટ એન્ડ રનના 10 બનાવ, ગૂમ અને અપહરણના બે બનાવ, ચોરીના 24 બનાવ અને પોસ્ટ ઇન્સ્ટીડેન્ટ ઇન્વેસ્ટીગેશનના 289 ગુનાઓ તેમજ 20 અરજદારોને ખોવાયેલો કિંમતી સામાન પરત અપાવવાના 20 બનાવ મળી કુલ 345 ગુનાઓમાં ડિટેક્શન કરી ‘શોધ’ કેટેગરીમાં રાજ્યકક્ષાએ જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પ્રથમ રેન્ક મળ્યો હતો.
ગુજરાત રાજ્યના ડીજીપી જી. એસ. મલેકના હસ્તે ઇન્ચાર્જ પીએસઆઇ ડી. બી. સિંગલને પ્રમાણપત્ર એનાયત કરી જામનગર પોલીસ વિભાગની નેત્રમ્ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી હતી.


