ભારત જેવા દેશ માં સામાન્ય રીતે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી. વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે.

જામનગર જિલ્લાના નચિકેતા ગુપ્તા Khelo India Winter Games 2025માં સ્કીંગની રમતમાં Slalom અને Giant Slalom ઈવેન્ટમાં (Open Men Category) જે 9 થી 13 માર્ચ સુધી ગુલમર્ગ, કાશ્મીર ખાતે યોજાયેલ હતી તે સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લઈ ખુબજ સારા ટાઈમિંગ સાથે ક્વાલિફાય થયા છે. તેઓ ગુજરાત રાજ્યમાંથી આ પ્રતિષ્ઠિત શિયાળુ રમતકૂદ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. સાથે જ, આ તેમનો સતત ત્રીજો વર્ષ છે કે તેઓ આ રાષ્ટ્રીયસ્તરની શિયાળુ રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
Khelo India Winter Games એ ભારત સરકાર દ્વારા આયોજિત એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે, જેનો મુખ્ય હેતુ દેશમાં શિયાળુ રમતોને પ્રોત્સાહન આપવો છે. દેશના વિવિધ બરફયુક્ત વિસ્તારોમાં આયોજિત આ રમતોમાં સ્કીંગ, આઇસ સ્કેટિંગ, આઇસ હોકી, સ્નોબોર્ડિંગ સહિત અનેક ઇવેન્ટ્સ સમાવેશ પામે છે. Khelo India Winter Games 2025માં દેશના શ્રેષ્ઠ શિયાળુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, અને આવા પ્લેટફોર્મ પર ગુજરાતનો પ્રતિનિધિત્વ કરવો એ એક વિશિષ્ટ સિદ્ધિ છે.
Slalom અને Giant Slalom સ્કીંગ એ અત્યંત ટેકનિકલ અને ઝડપી ઈવેન્ટ્સ છે, જેમાં ખેલાડીઓને ઊંચા ઢાળમાંથી બરફ ઉપર ચોકસાઈથી ગેટ્સ વચ્ચેથી ઉતરવું પડે છે. Slalom વધુ ચુસ્ત વળાંક ધરાવતી સ્પર્ધા છે, જ્યારે Giant Slalom વધુ ઝડપ અને લાંબા અંતરના ગેટ્સ ધરાવે છે. બંનેમાં ખેલાડીની તત્પરતા, સંતુલન અને શારીરિક તેમજ માનસિક ક્ષમતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બરફ વિનાના રાજ્યમાંથી આવી શિયાળુ રમતમાં પસંદ થવું એ ખાસ પડકારરૂપ છે. નચિકેતાએ જણાવ્યું હતું કે ઓછું તાપમાન, બરફ પર તાલીમની મર્યાદિત તક અને વ્યવસ્થાઓની અછત છતાં, તેમણે દૃઢ સંકલ્પ અને સતત મહેનત દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે.
નચિકેતા ગુપ્તા હાલમાં ગુજરાત સરકારના જામનગર સિંચાઈ વિભાગમાં Assistant Engineer તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની સિદ્ધિ જામનગર અને સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે, કારણ કે શિયાળુ રમતોમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઊંચું લાવવાનું આ એક મહત્વપૂર્ણ પગથિયું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ભાવિ દિવસોમાં વધુ યુવાનોને શિયાળુ રમતો તરફ આકર્ષિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે અને ગુજરાતમાંથી વધુ ખેલાડીઓ આ પ્રકારની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લિએ એ તેમનો ધ્યેય છે.