ગત્ કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના અનેક દર્દીઓ સાજા થયા બાદ મ્યુકોરમાઇકોસીસનો ભોગ બન્યા હતાં અને આવા દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવા જ એક દર્દીને જામનગરના ડો.આકાશ તકવાણી અને ડો.રીમી તકવાણીએ ઓપરેશન કરી કૃત્રિમ આંખ બેસાડી હતી.
રાજકોટ રહેતાં અને ખાનગી કંપનીમાં કામ કરતાં 36 વર્ષના અજય મારડીયા નામના યુવાનને ગત્ એપ્રિલ માસ દરમ્યાન કોરોના થયો હતો અને જામનગર માં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતાં. કોરોના બાદ બે માસ બાદ આ યુવાનને મ્યુકોરમાઇકોસીસનો રોગ લાગ્યો હતો. જેના પરિણામે આંખ, તાડવું તથા સાયનસની અસર થઇ હતી. જેના પરિણામે યુવાનને દ્રષ્ટિ છિનવાઇ ગઇ હતી.
મ્યુકોરમાઇકોસીસને કારણે આંખને નુકસાની થવાની સાથે આંખના સ્નાયુઓ સહિતના ભાગો પણ નબળાંપડી જતાં હોવાનું ડો.રીમી તકવાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્નાયુઓ નબળાં પડી જતાં આંખની અંદરનો ભાગ કામ કરતો નથી. જેના પરિણામે ચક્ષુદાન થકી પણ આંખ બદલી શકાતી નથી. તેનો એકમાત્ર ઉપાય કૃત્રિમ આંખ જ છે. કૃત્રિમ આંખ થકી દર્દી જોઇ શકતો નથી પરંતું ચહેરાનું સૌદર્ય યથાવત્ જળવાઇ રહે તે માટે આ આંખ લગાડવામાં આવે છે.આ આંખ બે પ્રકારની હોય છે. એક સ્ટોક અને બીજી કસ્ટમાઇઝ સ્ટોક આઇઝમાં ફિકસ માપની હોય છે.જયારે કસ્ટમાઇઝ આઇ દર્દીના સ્નાયુઓ પ્રમાણે માપ લઇ બનાવામાં આવે છે. ચાર-પાંચ દિવસની સારવાર બાદ આ આંખ બેસાડવામાં આવી હતી.
આ સારવાર ડો.આકાશ તકવાણી, ડો.રીમી તકવાણી, ડો.સશાંક કોશિક, ડો. ટવીન્કલ સંઘાણી, ડો.સુષ્ટિ જાજુ, અજય પરમાર, વિવેક પરમાર, અશ્ર્વિન ઝાલા,લક્ષ્મી રાજપુત, પ્રિયંકા વિરાણી અને અરૂણ જોષીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.