હાપા જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભૂદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા તાજેતરમાં માતુશ્રી વિરબાઈમાની પુણ્યતિથિ નિમિતે પૂજન, જલારામ બાપાની દરરોજ પ્રસાદી બનાવતા રસોયા, કાર્યકર્તાઓ, દુ:ખદ પ્રસંગોને ઘરે ઘરે પ્રસાદીરૂપે ટિફિન પહોંચાડનારા રિક્ષાચાલકો વિગેરેનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
શરૂઆતમાં જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેઓએ આ તકે જણાવ્યું હતું કે, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભૂદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા તા.09-11-2013 થી જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ભોજન ટિફિન દ્વારા ખાસ રિક્ષામાં પહોંચાડવાનો સાવ અનોખો સેવાયજ્ઞ શરૂ થયો તેને નવ વર્ષ પુરા થયા છે અને દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ નવ વર્ષ દરમ્યાન દુ:ખદ પ્રસંગોએ સંસ્થા દ્વારા દસ લાખ લોકોને જલારામબાપાનો પ્રસાદ ઘેર ઘેર સુધી પહોંચાડવાની અનોખી સિધ્ધિ હાંસલ કરેલ છે. જે પરિવારોમાં મૃત્યુ જેવી દુ:ખદ ધટના બની હોય ત્યાં જલારામબાપાની પ્રસાદીરૂપે ખીચડી, શાક, રોટલા અને છાશ વિગેરે પેક કરીને તેમજ ભોજન કરવા માટેના ડિસ્પોઝેબલ ડિશ, ગ્લાસ સહિતના વાસણોનો સેટ પણ તેમના ઘેર પહોંચાડવાની વ્ય્વસ્થા છે. આ સેવા કોઈપણ જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર માત્ર માનવ સેવાના ભાવથી કરવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા વિશ્ર્વ વિક્રમી રોટલાના કાર્યક્રમ પછી જલારામ સેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્રના દાતા પ્રભુદાસ ખીમજી કોટેચા તરફથી 30 હજાર ફૂટ જગ્યા આપી ઉપરાંત આ દાતા પરિવારના રમેશભાઈ, જગદીશભાઈ, ભાસ્કરભાઈ, જયેશભાઈ કોટેચા દ્વારા અવિરત માર્ગદર્શન મળતું રહયું છે.
ઉપરાંત સમાજસેવક મહાવીર દળના પ્રમુખ દીપકભાઈ ઠકકર, માનદમંત્રી દર્શનભાઈ ઠકકર, મહેશભાઈ રામાણી, મોક્ષ મંદિર ટ્રસ્ટ ગાંધીનગરના પ્રમુખ કનકસિંહ જાડેજા, ગિરીશભાઈ ગણાત્રા, મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ જાડેજા વિગેરેનો જલારામ સેવા ટ્રસ્ટ હાપાને સહયોગ મળી રહયો હોય તેમ રમેશ દતાણીએ આભારની લાગણી વ્યકત કરી હતી.
વિરબાઈમાની પુણ્યતિથિ નિમિતે જલારામ મંદિર હાપા ખાતે સંસ્થાના કાર્યકરો દ્વારા વિરબાઈમાની છબીનું પૂજન કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત ગિરીશભાઈ ગણાત્રા, ઉદ્યોગપતિ અશોકભાઈ જોબનપુત્રા તેમજ સમાજસેવક મહાવીર દળના દર્શનભાઈ ઠક્કરના હસ્તે જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ, રસોયા, દુ:ખદ પ્રસંગોએ ધરે ઘરે જલારામબાપાની પ્રસાદી પહોંચાડતા રિક્ષા ચાલકો ભાઈઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક લલિતભાઈ જોશીએ કર્યું હતું.
જામનગર શહેરના કોઈપણ લોકો જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્રની સેવાનો લાભ લેવા ઈચ્છતાં હોય તેઓએ જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દતાણી, મો.9824802122, સુભાષભાઈ ગોહિલ, મો.9924789459, કિરીટભાઈ દતાણી, મો.9428320220, મનોજભાઈ સુરાણી, મો.9427944141, અનિલભાઈ ચાવડા, મો.9137213220, નિરંજનભાઈ કોળી, નવનીતભાઈ સોમૈયા, 9824234347, અતુલ ક્રાતર, વિજયભાઈ કોટક, મો.9898883080 નો સંપર્ક સાધવા જણાવાયું છે.