સમગ્ર વિશ્વમાં તા.21મી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપક્રમે જામનગર ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી ‘ માનવતા માટે યોગ’ની થીમ પર કરવામાં આવનાર છે.
યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવાં માટે કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીએ જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી એક અણમોલ વિરાસત છે. તેને આપણે એક દિવસનો ઉપક્રમ ન બનાવી તેને આપણાં જીવનનો નિયમિત હિસ્સો બનાવવો જોઇએ.
તેમણે યોગ દિવસની ઉજવણીની તૈયારીઓની વિગતો આપતાં જણાવ્યું કે, જામનગર શહેર અને જિલ્લામાં આશરે 4 લાખ જેટલાં લોકો યોગ કરશે. રણમલ તળાવ, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન સહિતના આઇકોનિક સ્થળો પર પણ યોગ કરવામાં આવશે. આ આઇકોનિક સ્થળોએ આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને યોગનું નિદર્શન કરાશે. આ માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ખાતે જ્યારે જામનગર શહેરનો તમામ વોર્ડ ખાતે તેમજ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તેમણે જણાવ્યું કે, આ સિવાય સેનાની ત્રણેય પાંખ, જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો સહિત તમામ શૈક્ષણીક સંસ્થાઓ, પોલીસ સ્ટેશનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, હોમગાર્ડ, એન.સી.સી., બ્રહ્મ કુમારીઝ, આર્ટ ઓફ લિવિંગ, પતંજલી સહિતના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરવામાં આવશે. યોગના તજજ્ઞો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમો કોવિડના પ્રોટોકોલને ધ્યાનમાં લઇને કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો પણ સક્રિય રીતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, મહર્ષિ પતંજલિએ ચિંધેલાં યોગ તથા આસન, ધ્યાન અને પ્રાણાયામથી તન સાથે મનની પણ તંદુરસ્તી પણ જળવાય છે. મન અને મસ્તિષ્ક શાંત થાય છે. મનની ઉધ્વગતિ થાય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ દુનિયાભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વવાન કર્યુ હતું. આ પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર, 2014ના રોજ ઘોષણા કરી હતી કે 21 જૂન ના રોજ દુનિયાભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારથી તેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.
આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, સર્વે પ્રાંત અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નિતાબેન વાળા, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યોગ નિદર્શકો, તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.