જામનગર શહેરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરતાં વાહનને ગઇકાલે રબ્બાની પાર્ક વિસ્તારમાં એક બાળકીને હડફેટે લેતાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કચરો એકઠો કરતી કંપનીના વાહનો દ્વારા અવારનવાર કચરો ન ઉપાડવા તથા કચરાના વાહનોમાં અન્ય વસ્તુઓની હેરાફેરી કરવા સહિતના પ્રશ્નો ઉઠે છે. દરમ્યાન કચરાના કોન્ટ્રાકટર કંપનીના એક વાહનએ રબ્બાની પાર્ક વિસ્તારમાં રમતી બે વર્ષની માસુમ બાળકીને હડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


