રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ,વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું (UWIPTC)લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. કેબિનેટ મંત્રીએ અર્બન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા સેન્ટર પર કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે મંત્રીને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં શરૂ થયેલા વન્યજીવોની સારવાર માટેના પ્રાઇમરી કેન્દ્ર થકી અનેક અબોલ જીવોનો જીવ બચશે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે ત્યારે આ કેન્દ્ર સૌથી વધુ મદદરૂપ બની રહેશે. જામનગર માટે ગૌરવની વાત છે કે ખીજડીયામાં આવેલ પક્ષી અભયારણ્ય કે જ્યાં વિદેશ માંથી શિયાળાની ઋતુ દરમિયાન અનેક પક્ષીઓ આવે છે. સેન્ટર શરૂ થતાની સાથે જ એક નીલગાયની સફળ સર્જરી અહીં કરવામાં આવી છે તેમજ સાપ, અજગર પક્ષીઓ સહિત 124 જેટલા વન્યજીવોની હાલ સારવાર ચાલી રહી છે. વન્યજીવોને ખલેલ ન પહોંચાડી તેમનું રક્ષણ કરવું અને પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. જામનગર જિલ્લાના ઘણા વન્યજીવ પ્રેમીઓ દ્વારા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે ત્યારે આ કેન્દ્ર પર અત્યારે 15 જેટલા સ્વયંસેવકો અબોલ જીવોની સારવાર કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે તે સૌને અભિનંદન પાઠવું છું. આ સેન્ટર પર ડોક્ટર પ્રતીક જોશી દ્વારા સેવા આપવામાં આવી રહી છે અને તેમના પ્રયાસો થકી વન્યજીવો ને નવજીવન મળશે તેમની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેથી કરીને વન્યજીવોનું રક્ષણ કરી શકાય. જામનગર જિલ્લામાં સૌપ્રથમ વખત આ પ્રકારના સેન્ટરની શરૂઆત કરવામાં આવી હોય મંત્રીએ સરકાર તેમજ વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ મંત્રીએ ચાર વાહનો જેમાં એક એમ્બ્યુલન્સ, એક પશુ ટોઈંગ વાન તેમજ બે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પશુઓની સારવાર માટે અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિ રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મુંગરા, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, શહેર મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી સદસ્ય વિનુભાઈ ભંડેરી, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક આર સેન્થિલ કુમાર, ધનપાલ, અરુણકુમાર, એસીએફ જામનગર ડિવિઝનના આર.ડી જાદવ, વન વિભાગના અધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ વન્યજીવ પ્રેમીઓ હાજર રહ્યા હતા.