જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બાળકોની બાબતે મોટેરાઓ વચ્ચે ઝઘડો થતા મહિલાને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. જામનગર તાલુકાના ગોરધનપર ગામ નજીકના વાડી વિસ્તારમાં ટ્રેક્ટરની લાઈટ બાબતે બોલાચાલી કરી શખ્સે યુવાન ઉપર લોખંડની કોસ વડે હુમલો કર્યો હતો. જામનગર શહેરના વામ્બેઆવાસ પાસેના વિસ્તારમાં કુતરાને પત્થર મારતા ત્રણ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા કમીબેન વાઘેલા અને કિશોર વાઘેલા બન્નેના બાળકો વચ્ચે રમતા-રમતા ઝઘડો થતા આ બાબતનો ખાર રાખી કિશોર નાનજી વાઘેલા, પ્રવિણ નાનજી વાઘેલા, વિનોદ નાનજી વાઘેલા, જગદીશ નાનજી વાઘેલા, વિજયાબેન કિશોર વાઘેલા નામના પાંચ શખ્સોએ કમીબેન મહેન્દ્ર વાઘેલા નામના મહિલાને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ગોરધનપર ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં રહેતો ભાવેશ સોનગરા નામના યુવાને સામેથી ટ્રેક્ટર લઇને આવતા નિલેશ કણઝારિયાને લાઈટ ડિમ કરવાનું કહ્યાનો ખાર રાખ્યો હતો. દરમિયાન ભાવેશ તેની વાડીએ ઢોર બાંધવા જતો હતો ત્યારે ઢોર રોડ પર સરખા ચલાવવાના બહાના હેઠળ ભાવેશ ઉપર લોખંડની કોસ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ભાવેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે નિલેશ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં વામ્બે આવાસ નજીક રહેતા કલ્પેશ મોહન રાઠોડ નામના યુવાને કુતરાને પથ્થર મારતા જીજ્ઞેશ સોમા, સોમા, હરીશ નામના ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને કલ્પેશને ‘તું પથ્થરનો ઘા કેમ કરશ ? ’ તેમ કહી લોખંડના પાઈપ વડે અને ઢીકાપાટુનો માર મારી શરીરે તેમજ માથામાં ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં કરાયેલી જાણના આધારે પીએસઆઈ વી.એમ. પરમાર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.