જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવાનના મિત્રએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી સાત જેટલા શખ્સોએ યુવાન ઉપર તલવાર-છરી અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની માતાને મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતાં નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા નામના યુવાનના મિત્રએ હાજી અયુબ ખફી વિરૂધ્ધ કરેલી અરજીનું મનદુ:ખ રાખી શનિવારે રાત્રિના સમયે હાજી અયુબ ખફી, વકીબ પટણી અને પાંચ અજાણ્યા સહિતના સાત શખ્સોએ એકસંપ કરી તલવાર-છરી, લોખંડના પાઈપ, હથોડી જેવા ઘાતક હથિયારો સાથે આવીને નાઝીર ઉર્ફે નાઝલા ઉપર હુમલો કર્યો હતો. તેમજ કુલસુમબેન નુરમામદ ઘોઘા ઉપર અજાણ્યા શખસે છરીનો ઘા ઝીંકયો હતો અને હથોડી તથા લોખંડના પાઈપો વડે માર માર્યો હતો. ઉપરાંત હુમલામાં યુવાનના માતાને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. સાત શખ્સોએ માતા અને પુત્ર ઉપર કરેલા હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.