Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગેરકાયદે કેબિન ખડકી ભાડે આપવાનું કૌભાંડ

જામનગરમાં ગેરકાયદે કેબિન ખડકી ભાડે આપવાનું કૌભાંડ

શહેરના તારમામદ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર 15 દિવસથી ખડકાયેલી કેબિનો આજે એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આવી ! તમામ કેબિનો જપ્ત કરવા કાર્યવાહી : હાલ તૂર્ત કૌભાંડીઓના કમાણીના કારસ્તાન પર ફરી વળ્યું પાણી : મોટા માથાઓની સંડોવણી ?

- Advertisement -

જામનગર શહેરમાં જાહેરમાર્ગ ઉપર પતરાની કેબિનો ખડકી તેને વેંચી દઇ અથવા તો ભાડે આપી તગડી કમાણી કરવાના કૌભાંડ પર પ્રકાશ પડયો છે. શહેરના તારમામદ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલી પતરાની 26 જેટલી નવી નકકોર કેબિનો જપ્ત કરવા માટે જામ્યુકોના એસ્ટેટ વિભાગે આજે સવારથી કાર્યવાહી હાથ ધરી છે. 10 જેટલી કેબિનો જપ્ત કરી લેવામાં આવી છે. જયારે બાકીની કેબિનો પણ પોલીસ બંદોબસ્ત સાથે જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું એસ્ટેટ વિભાગના અધિકારી નીતિન દિક્ષિતે જણાવ્યું હતું.

- Advertisement -



તારમામદ સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી આ કેબિનો જાહેર રોડ ઉપર પડી હોવા છતાં છેક આજે એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આવી હતી. આ કેબિનો કોની છે ? અને કોણે અહીં ખડકી તેની જાણકારી હજુ સુધી એસ્ટેટ વિભાગના અધિકારી પાસે નથી. જાણવા મળ્યા મુજબ જામ્યુકોમાં ભારે વગ ધરાવતાં કોઇ માથા દ્વારા ભાડે અથવા તો વેચાણથી આપવાના ઇરાદા સાથે આ કેબિનો અહીં ખડકવામાં આવી છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, 15-15 દિવસ સુધી જામ્યુકોના જાંબાઝ એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આ બાબત કેમ ન આવી ? શું શહેરમાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારની કેબિનો જામ્યુકોની મંજૂરી વગર ખડકી દેવામાં આવી છે ? હાલ તો આ કેબિન કૌભાંડ શહેરમાં અને જામ્યુકોના વર્તુળમાં ભારે ચકચાર જગાવી છે. જો કે, એ બાબતની તપાસ જરૂરી છે કે, શું આ કેબિનો જાહેર માર્ગ ઉપર ખડકવામાં આવી છે ? કે પછી કોઇ ખાનગી માલિકીની જગ્યા ઉપર. શહેરમાં ગેરકાયદે દબાણ મામલે નવા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી પણ આકરા પાણીએ હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોઇપણ જગ્યાએ કોઇપણ ચમરબંધી દ્વારા કરવામાં આવતાં દબાણો તેઓ સાંખી લેવાના મૂડમાં ન હોય તેવું જણાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular