Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારયાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનથી ઘૂઘવતો માનવ પ્રવાહ

યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનથી ઘૂઘવતો માનવ પ્રવાહ

હોટેલ, ધર્મશાળા, હોમ સ્ટે, અતિથિ ગૃહો તમામ હાઉસફુલ

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં દિવાળીના વેકેશન બાદ હવે નાતાલના મીની વેકેશનનો પ્રવાસી યાત્રિક પ્રવાહ આજથી શરૂ થયો છે. દ્વારકાના તમામ નિવાસમાં બુકિંગ આવી જતા દ્વારકાના બદલે લોકો જામનગર, પોરબંદર વિગેરે જગ્યાએ યાત્રિકો રોકાણ કરીને પણ દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે.

- Advertisement -

યાત્રાધામ દ્વારકા હવે દ્વારકાધીશજીના દર્શન સાથે પ્રવાસી ગૃહ પણ બની ગયું છે. લોકોએ એક દિવસના બદલે ત્રણથી પાંચ દિવસ કે તેનાથી પણ વધુ રોકાણના બુકિંગ આવતા રહેવાની તમામ વ્યવસ્થા ટૂંકી પડી રહે છે. ભાવિકોએ ભાવ-ભક્તિ, શ્રદ્ધા સાથે વર્ષના અંતના સપ્તાહમાં વર્ષની વિદાયના વધામણા કરવા, જગત મંદિર શિખર ઉપર ધ્વજાજી, ભાગવત સપ્તાહ તથા દ્વારકાધીશના મનોરથના સંકલ્પો પૂરા કરી રહ્યા છે, અને ધન્યતા અનુભવી રહ્યા છે.

- Advertisement -

આ વર્ષમાં દ્વારકાના યુવાનોએ ગોમતી નદીમાં સંગમનારાયણ ધાટ સુધી યાત્રિકો માટે બોટીંગની સેવા શરૂ કરતા એક નવા પ્રવાસ સાથે યાત્રિકો બોટિંગની પણ મોજ મજા માણી રહ્યા છે. તો બીજી તરફ દ્વારકાના સમુદ્રમાં ગરક થયેલી સુવર્ણ દ્વારકાના દર્શન સમુદ્રના પેટાળમાં સ્કુબા ડ્રાઇવ માધ્યમથી પ્રવાસીઓએ દર્શન કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે.

- Advertisement -

ખાસ કરીને શિયાળાની શીતળ ઠંડી વચ્ચે મનમોહક સુંદરતા સભર સૌંદર્યના વાતાવરણમાં પશ્ચિમ કિનારાની ભગવાન દ્વારકાધીશની ભૂમિ ઉપર સમુદ્ર દર્શનનો લાભ પ્રવાસી યાત્રિકો લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દ્વારકાના સમુદ્ર પર આવેલા પંચકૂઈ બીચના કિનારે ડેઝર્ટ બાઇક, ઊંટ રાઇડીંગ જેવી અનેક પ્રવાસી સુવિધામાં વધારો થતા હવે દ્વારકા માત્ર દર્શન માટેનું આધ્યાત્મિક સ્થાન જ નહીં, પરંતુ માનવ જિંદગીને આનંદ ઉત્સવમાં લાવી શકે તેવું મનમોહક સાધના સફર માટેનું કેન્દ્ર પણ બની ગયું છે.

ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે દ્વારકાની આજુબાજુના દર્શન જેવા કે નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ ધામ બેટ દ્વારકા સાથે શિવરાજપુર બીચ તથા કાચબા ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ લોકો આનંદની અનુભુતી પણ કરી રહ્યા છે. તેમની સાથે દ્વારકામાં ધર્મશાળાથી માંડીને ફાઇવ સ્ટાર કક્ષાની હોટલો હોવાથી દરેક કેટેગરીના લોકો પોત-પોતાની રીતે આનંદ માણી રહ્યા છે. અહીં યાત્રાળુઓનો પ્રવાહ જોતા દ્વારકાના વેપારીઓના મુખ પર પણ અનેરી ખુશીની લહેર જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular